સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ખેડૂતો દ્વારા આગામી ખરીફ સીઝન માટે રસાયણિક ખાતર, બિયારણ અને જંતુનાશક દવાની ખરીદી કરવામાં આવશે ત્યારે ખેડૂતોએ ખરીદી પૂર્વે અમુક ખાસ બાબતોનું ધ્યાન રાખવા અંગે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), સુરેન્દ્રનગરની અખબારી યાદીમાં માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
મુદત પુરી થયેલ જંતુનાશક દવા અથવા તો બિયારણની ખરીદી કરવી નહીં
આ માર્ગદર્શિકા અનુસાર, જંતુનાશક દવા, બિયારણ તથા રસાયણિક ખાતરની ખરીદી હંમેશા અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતા વિશ્વાસુ વિક્રેતા પાસેથી જ પાકુ બિલ મેળવીને ખરીદી કરવાનો આગ્રહ રાખવો. રસાયણિક ખાતરની થેલી, જંતુનાશક દવાની બોટલ/ટીન તથા બિયારણની થેલી સીલબંધ છે કે કેમ તેની ખાતરી કરવી તથા કોઈ પણ સંજોગોમાં મુદત પુરી થયેલ જંતુનાશક દવા અથવા તો બિયારણની ખરીદી કરવી નહીં.
કોઇ ભળતો પદાર્થ હોઈ શકે તો આવા પદાર્થોની ખાતર તરીકે ખરીદી ન કરવી
ત્રણેય ઇનપુટના વેપારી પાસેથી તેના લાયસન્સ નંબર અને પુરેપુરા નામ, સરનામા તથા તેની સહીવાળા બીલમાં ઉત્પાદકનુ નામ, લોટ નંબર/બેન્ચ નંબર, ઉત્પાદન તારીખ અને મુદત પુરી થયાની તારીખ (એક્ષપાયરી ડેટ) વગેરે તમામ વિગત દર્શાવતું પાકુ બિલ મેળવી લેવું. ખાતરની થેલી/બારદાન ઉપર ફર્ટીલાઈઝર, બાયોફર્ટીલાઈઝર, ઓર્ગેનિક ફર્ટીલાઈઝર અથવા તો નોન-એડીબલ ડી-ઓઈલ્ડ કેક ફર્ટીલાઈઝર એવો શબ્દ ન લખેલ હોય તો તેવી થેલીમાં ભરેલ પદાર્થ ખરેખર ખાતરને બદલે કોઇ ભળતો પદાર્થ હોઈ શકે તો આવા પદાર્થોની ખાતર તરીકે ખરીદી ન કરવી.
શંકાસ્પદ ખાતર લાગે તો ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરો
લેભાગુ તત્વો દ્વારા ભળતા નામ/પેકીંગથી લોભામણી સ્કીમો આપી પાકુ બિલ આપ્યા વગર ખાતર/દવા/બિયારણનું વેચાણ કરે તો તેની ખરીદી ન કરવા તથા આવા લેભાગુ તત્વો બાબતે તેની જાણ નજીકની ખેતીવાડી શાખા/લગત ખેતી અધિકારીશ્રી/નાયબ ખેતી નિયામક(વિ) ની કચેરી, સુરેન્દ્રનગરને તાત્કાલીક જાણ કરવા નાયબ ખેતી નિયામક (વિ) સુરેન્દ્રનગરની યાદીમાં જણાવાયું છે.