- અમરેલીના રાજુલામાં યુવકનું હાર્ટએટેકથી મોત
- દ્વારકામાં હાર્ટ એટેકથી એક જ દિવસમાં બે ખેડૂતોના મોત
- જામનગરમાં હાર્ટ એટેકથી યુવાનનું મોત
રાજ્યમાં એક તરફ નવરાત્રીની ઉજવણી જોરશોરથી ચાલી રહી છે. ત્યારે ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં વિવિધ સ્થાનો પર હાર્ટએટેકના કારણે ચાર લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં સૌથી ચોંકવનારી ઘટના અમરેલીના રાજુલામાં બની છે જ્યાં 23 વર્ષીય યુવકને હાર્ટએટેક આવ્યો છે.
આ અંગેની માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના રાજુલામાં 23 વર્ષીય દિનેશ શિયાળ નામનો યુવક નવરાત્રીમાં રામાપીરના આખ્યાનમાં ભાગ લેવા માટે પહોંચ્યો હતો. જ્યાં અચાનક જ યુવકને હાર્ટએટેક આવ્યો હતો અને જેના કારણે દોડધામ મચી ગઈ હતી. જે પછી તેનું અવસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું.
દ્વારકા જિલ્લામાં બે ખેડૂતોના મોત
આ અગાઉ દ્વારકા જિલ્લામાં એક જ દિવસમાં હાર્ટએટેકથી બેના મોત થયા હોવાનું સામે આવ્યું હતું. જેમાં ઠાકર શેરડી ગામે 42 વર્ષીય વેલજીભાઈનું હાર્ટએટેકથી મોત થયું છે. જ્યારે શકિતનગર ખંભાળિયામાં આધેડનું હાર્ટએટેકથી મોત થયું છે. ખાસ નોંધ કરવા જેવી બાબાત એ છેકે, બંને વ્યક્તિઓ ખેતી કામ કરતી વખતે હાર્ટએટેક આવ્યો હતો. જીલ્લામાં એક જ દિવસમાં બે ખેડૂતોના હાર્ટ એટેક થી મોત થતા ધરતીપુત્રોમાં ગમગીની છવાય છે.
જામનગરમાં પણ એક યુવકે જીવ ગુમાવ્યો
જ્યારે અન્ય એક ઘટનામાં જામનગરમાં હાર્ટ એટેકથી યુવાનનું મોત થયુ છે. જેમાં સેના નગરમાં રહેતા 24 વર્ષીય યુવાનનું મોત થયુ છે. તેમજ અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવકનું મોત થયુ હતુ. રવિ પરબતભાઈ લુણા નામના વ્યક્તિને એકાએક હૃદય બંધ થઈ જતા મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી છવાઇ છે. ગતરોજ યુવાનને તાવ શરદી સંબંધિત શારીરિક તકલીફ હોવાના કારણે ખાનગી હોસ્પિટલમાં દવા લેવા ગયા બાદ અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેમાં હાર્ટ અટેક આવતા યુવાનનું મૃત્યુ થયું છે.
રાજ્યભરમાં હાર્ટએટેકની ઘટના વધી
છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકની જે ઘટનાઓ સામે આવે છે તે ચિંતાજનક છે. પહેલા હાઇ કોલેસ્ટ્રોલ, સ્થૂળતા અને વધારે વજનના કારણે લોકોને હાર્ટ એટેક હાર્ટ એટેક આવ્યાની વાત સામે આવતી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરના બાળકો અને યુવાનોને પણ હાર્ટ એટેક આવે અને તેનું મોત થઈ જાય તેવી ઘટનાઓમાં વધારો થવા લાગ્યો છે.