પાકિસ્તાન દ્વારા કથિત ડ્રોન અને મિસાઈલ હુમલાના પ્રયાસોને ભારતીય સશસ્ત્ર દળોએ નિષ્ફળ કર્યા બાદ ગુજરાત સરકાર એલર્ટ થઈ ગઈ છે.CM ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે, સરહદ પર તણાવની સ્થિતિ વચ્ચે સુરક્ષા સમીક્ષાની બેઠક બોલાવવામાં આવી છે, આ બેઠકમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા છે, ગઈકાલે રાત્રે પણ હર્ષ સંઘવીએ બેઠક યોજી હતી.
ગૃહ રાજ્યમંત્રી હર્ષઈ સંઘવી SEOC ખાતે બેઠકમાં હાજર
ગુજરાત એકમના ત્રણેય સેનાના અધિકારી પણ બેઠકમાં હાજર રહ્યાં છે, કોસ્ટગાર્ડ, BSF ગુજરાત ફ્રન્ટિયરના DG અને રાજ્યના મુખ્ય સચિવ અને DGP ઉપસ્થિત રહ્યાં હતા, તો સરકારના તમામ વિભાગના વડાઓ ઉપસ્થિત રહ્યાં છે, કચ્છ, બનાસકાંઠા, પાટણ જિલ્લો હાઈએલર્ટ પર મૂકાયો છે તો તમામ જિલ્લા કલેક્ટર અને જિલ્લાના SP બેઠકમાં જોડાયા છે.
ગુજરાતમાં 3 જિલ્લાઓ હાઈએલર્ટ પર છે
ગુજરાતના ત્રણ સરહદી જિલ્લાઓ કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ખાસ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓ પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓએ ચેકિંગ અને નિરીક્ષણની કામગીરી તેજ કરી છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF), મરીન પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)ની ટીમોને સરહદી વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. સરહદી વિસ્તારોમાં રેલવે સ્ટેશનો અને અન્ય સંવેદનશીલ સ્થળો પર નિરીક્ષણ વધારવામાં આવ્યું છે. સરકારે ખોટા સમાચાર અને અફવાઓને રોકવા માટે પણ અધિકારીઓને સૂચના આપી છે.