વિધાનસભામાં CAG રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. દવાઓની ગુણવત્તા ચકાસવામાં આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી છે. આ રિપોર્ટ અનુસાર આરોગ્ય વિભાગ દ્વારા ઘણી અનિયમિતતાઓ થઈ હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લા હોસ્પિટલોમાં પથારીઓની ઘટનો ઉલ્લેખ છે.
આ ઉપરાંત વર્ષ 2023-24 દરમિયાન રાજ્ય વિધાન મંડળે વિનિયોગ કર્યા હોય તે સિવાય 193 કરોડની વધારાની ચૂકવણી કરવામાં આવી છે. આજે વિધાનસભામાં કેગના રિપોર્ટની રજૂઆત પછી આરોગ્ય વિભાગમાં ઘણી અનિયમિતતાઓ થઈ હોવાનું બહાર આવ્યું છે. જેમાં ખાસ કરીને રાજ્યની જિલ્લા હોસ્પિટલોમાં વસતીના આધારે પથારીની સંખ્યા ઘણી ઓછી હોવાની માહિતી જાહેર કરવામાં આવી છે.
દવાઓની ગુણવત્તા ચકાસવામાં આરોગ્ય વિભાગની બેદરકારી
- સરકારી લેબ દ્વારા દવાઓનું પરીક્ષણ ન થયાનો કેગનો રિપોર્ટ
- 2019માં અસંખ્ય નમૂનાઓનું લેબમાં પરીક્ષણ જ નથી થયું
- સુરતના ગોડાઉનમાંથી લીધેલા 1485 નમૂનાનું પરીક્ષણ ન થયું
- વલસાડ ગોડાઉનમાંથી લીધેલા 945 નમૂનાનું પરીક્ષણ ન થયું
- જામનગર ગોડાઉનમાંથી લીધેલા 916 નમૂનાનું પરીક્ષણ ન થયું
- અમરેલી ગોડાઉનમાંથી લીધેલા 873 નમૂનાનું પરીક્ષણ ન થયું
- નરોડા ગોડાઉનમાંથી લીધેલા 795 નમૂનાનું પરીક્ષણ ન થયું
- વડોદરા ગોડાઉનમાંથી લીધેલા 476 નમૂનાનું પરીક્ષણ ન થયું
- રાજકોટ ગોડાઉનમાંથી લીધેલા 447 નમૂનાનું પરીક્ષણ ન થયું
- પાટણ ગોડાઉનમાંથી લીધેલા 371 નમૂનાનું પરીક્ષણ ન થયું
- દાહોદ ગોડાઉનમાંથી લીધેલા 307 નમૂનાનું પરીક્ષણ ન થયું
- હિંમતનગર ગોડાઉનમાંથી લીધેલા 218 નમૂનાનું પરીક્ષણ ન થયું
કયા જિલ્લામાં પથારીની સંખ્યામાં ઘટ
કેગ રિપોર્ટમાં રાજ્યના કયા જિલ્લાઓની હોસ્પિટલોમાં વસતીની સરખામણીમાં કેટલી પથારીઓની ઘટ છે તેનો વિસ્તૃત અહેવાલ આપવામાં આવ્યો છે. જે અનુસાર આણંદ જિલ્લા હોસ્પિટલમાં 456 પથારી હોવી જોઈએ જેની સામે છે 119 જ પથારી, બોટાદ જિલ્લા હોસ્પિટલમાં 143 પથારીઓ હોવી જોઈએ જેની સામે છે 100 પથારીઓ, રાજકોટ જિલ્લા હોસ્પિટલમાં 665 પથારીઓ હોવી જોઈએ જેની સામે 115 જ પથારીઓ છે, સુરેન્દ્રનગર જિલ્લા હોસ્પિટલમાં 342 પથારીઓ હોવી જોઈએ જેની સામે 150 પથારીઓ છે, તાપી જિલ્લા હોસ્પિટલમાં 177 પથારીઓ હોવી જોઈએ સામે 156 પથારીઓ છે. વડોદરા જિલ્લા હોસ્પિટલમાં કુલ 678 પથારીઓની જરૂરિયાત સામે 213 પથારીઓ છે જ્યારે ખેડા જિલ્લાની વાત કરવામાં આવે તો 453 પથારીઓની જરૂરિયાત સામે 160 પથારીઓ છે.
CAG રિપોર્ટમાં આરોગ્ય વિભાગ સંદર્ભે કરાયેલ સૂચનો
મેડિકલ કોલેજો, નર્સિંગ કોલેજોમાં સ્ટાફ ભરતી કરો, ડોક્ટર અને પેરામેડિકલની ખાલી જગ્યા પર ભરતી કરો, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લેબોરેટરી આધુનિક કરો - આધુનિક લેબોરેટરી હશે તો પરિણામ પણ ઝડપી આવશે . સરકારે આરોગ્ય ક્ષેત્રના બજેટમાં 8 ટકાનો વધારો કરવો જોઇએ. સુરક્ષિત માતૃત્વ અને ગર્ભવતી સ્ત્રીઓ માટે સુવિધાઓ વધારવા સૂચન કરવામાં આવ્યા છે.
193 કરોડની વધારાની ચૂકવણી થઈ
વર્ષ 2023-24 દરમિયાન રાજ્ય વિધાન મંડળે વિનિયોગ કર્યા હોય તે સિવાય 193 કરોડની વધારાની ચૂકવણી કરવામાં આવી છે. જેમાં પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસમાં 165 કરોડ, શહેરી વિકાસ અને શહેરી આવાસ અંતર્ગત 24 કરોડ તથા માર્ગો અને પૂલ વિભાગ 4.60 કરોડ, શિક્ષણ વિભાગ દ્વારા પણ વધારાની ચૂકવણી થઈ હોવાનો કેગ રિપોર્ટમાં ઉલ્લેખ છે. રાજ્ય સરકારે વર્ષ 2009-10, વર્ષ 2011-12, વર્ષ 2014-15 તથા વર્ષ 2022-23 ના 12,000 કરોડ કરતા વધારાની ચૂકવણી હજુ સુધી વિધાનમંડળ દ્વારા વિનિયમિત કરવાની બાકી હોવાનું કેગના રિપોર્ટમાં ઉલ્લેખ છે.