- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શકિત પ્રદર્શન સાથે જશે ફોર્મ ભરવા
- 19 તારીખે ગાંધીનગર કલેકટર કચેરી ખાતે ભરશે ફોર્મ
- રોડ-શોના બીજા દિવસે કરશે સભા
ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુરુકુળ રોડ પર આવેલ સુભાષ ચોક હનુમાન મંદિરમાં દર્શન કર્યા બાદ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. અહીં કાર્યકરો અને સ્થાનિક લોકો દ્વારા અમિતભાઈ શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે સાથે ગાંધીનગર ખાતે તેઓ લોકસભા કાર્યાલયમાં કાર્યકર્તાઓ સાથે એક મહત્ત્વની બેઠક પણ કરી હતી,ત્યારે 19 એપ્રિલના રોજ ગાંધીનગર કલેકટર કચેરી ખાતે અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે,સાથે સાથે આગળના દિવસે એક સભા પણ કરશે.
અમિત શાહનો સંભવિત રોડ-શો
ગુજરાત પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રોડ શો પણ કરવાના છે. આ રોડ શો ઉમેદવારી પત્ર ભરવાનાં આગલા દિવસે કરશે. મળતી માહિતી મુજબ, ઘાટલોડિયાથી શરૂ કરીને ગાંધીનગરના ઉત્તર સુધી આ રોડ શો યોજાશે. આ રોડ શોમાં તમામ વિધાનસભા ક્ષેત્રોને આવરી લેવાશે. સવારે 11 કલાકે આ રોડ શો યોજાવાની શરૂઆત થઈ શકે છે.
ચૂંટણી પ્રચાર માટે શાહના શ્રી ગણેશ થઈ ગયા
ગુરુકુળ રોડ પરનાં સુભાષ ચોક હનુમાન મંદિરમાં દર્શન કરીને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા.અહીં તેમણે લોકોને સંબોધિત કરતા ચૂંટણી પ્રચારનો હુંકાર ભર્યો હતો અને કહ્યું હતું કે, 29 વર્ષ પહેલા આ જ હનુમાન મંદિરના દર્શન કરીને મેં ધારાસભ્યની ચૂંટણી લડવાની શરૂઆત કરી હતી. આજે પણ હનુમાનજીના આશીર્વાદ લઈને પ્રચાર શરૂ કરી રહ્યો છું. કાર્યકર્તાઓના કારણે જ હું અહીં સુધી પહોંચ્યો છું. તેમણે આગળ કહ્યું હતુ કે, આઝાદી પછી દેશને વધુ સુરક્ષિત કરવાનું કોઈ કામ કર્યું હોય તો તે છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી.
આજે ભાજપનો સ્થાપના દિવસ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ સોશિયલ મીડિયા પોસ્ટ કરી પાર્ટીના કાર્યકર્તાઓને ભાજપના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી અને પાર્ટી માટે કામ કરી રહેલા કાર્યકરોને સલામ આપી હતી. અમિત શાહે લખ્યું,ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પર તમામ કાર્યકરોને અભિનંદન. હું એવા અસંખ્ય કાર્યકરોને સલામ કરું છું કે જેમણે બીજેપીને વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બનાવવાની યાત્રામાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે. સંગઠન પ્રત્યે અતૂટ સમર્પણ અને કામ પ્રત્યેની નિષ્ઠાથી દેશવાસીઓની આશાઓ અને આકાંક્ષાઓ દિવસ-રાત મજબૂત થઈ છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ ગરીબ કલ્યાણ અને સાંસ્કૃતિક વારસાના પુનઃનિર્માણનો પર્યાય બનીને ભારતના નિર્માણમાં મદદ કરી રહી છે.