ગુજરાતમાં ખનીજ માફિયાઓ ખૂબ જ બેફામ બની ગયા છે. રેતી ચોરી અને ખનીજ ચોરી કરતા તત્ત્વો ધરતીના પેટાળમાંથી કિમતી ખનીજ ખોદી કાઢે છે. જેના લીધે સરકારી તિજોરીને પણ ખૂબ જ નુકસાન થવા પામે છે. ગુજરાતના ખનીજ સંપન્ન જિલ્લાઓમાં ખનીજ ચોરો ખૂબ જ સક્રિય છે. જેમને રોકવા ખૂબ જ જરૂરી છે. ત્યારે કચ્છ જિલ્લાના મુંદ્રામાં રેતી ભરેલા 2 ડમ્પર ઝડપી લેવામાં આવ્યા હતા. જે કોઈ પરમિશન વિના બિનઅધિકૃત રીતે રેતીનું વહન કરી રહ્યા હતા.
ભૂસ્તર વિભાગે ડમ્પર ઝડપી લીધા
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કચ્છ કલેક્ટર IAS આનંદ પટેલની સૂચનાનુસાર કચ્છ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી તેમજ પૂર્વ કચ્છની ટીમે તપાસ હાથ ધરી હતી. મુંદ્રા તાલુકામાંથી 2 ડમ્પર સાદી રેતીના બિન અધિકૃત વાહન જઈ રહ્યા હતા. જે કચ્છ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરીની સંયુક્ત ટીમે તપાસ આદરી હતી. મુંદ્રામાંથી 2 સાદી રેતી ભરેલ ડમ્પરને ટીમે સીઝ કર્યા હતા. તો ભચાઉ તાલુકાના લાકડીયા પાસેથી ચાઈનાક્લે ખનીજનું વહન કરતા 3 ડમ્પરોને પણ ઝડપી લેવામાં આવ્યા હતા.
1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત
કચ્છ ભૂસ્તર વિભાગની ટીમે મુંદ્રા અને ભચાઉ વિસ્તારમાં સપાટો બોલાવ્યો હતો. સાદી રેતી ભરેલા 2 ડમ્પર અને ચાઈનાક્લે ભરેલા 3 ડમ્પરોને કબજે કર્યા હતા. જેથી ભૂસ્તર વિભાગની ટીમે ડમ્પરો સહિત અંદાજિત 1.10 કરોડથી વધુની રકમનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. ખનીજની ચોરી કરનારા વાહન ચાલક કે માલિક સામે ગુજરાત મીનરલ (પ્રિવેન્શન ઓફ ઈલીગલ માઈનિંગ. ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રુલ્સ 2017 ના નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ભૂસ્તર વિભાગની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ભયનો માહોલ ફેલાયો છે.