• બે દિવસ ગુજરાત ખાતે સ્ટાર્સનો જમાવડો જોવા મળશે
  • રણબીર,વરુણ ધવન, કરીના, જાન્હવી કપૂર, કરશે પરફોર્મન્સ
  • પહેલી વખત ગુજરાતમાં આયોજન થઈ રહ્યું છે

હિન્દી ફિલ્મ ઉદ્યોગના શ્રેષ્ઠ કલાકારો અને ટેક્નિશિયનોને સન્માનિત કરવા માટે ફિલ્મફેર એવૉર્ડ્સ -2024 આ વર્ષે ગુજરાતમાં આયોજીત થઈ રહ્યો છે. ગુજરાતમાં પ્રથમવાર ફિલ્મફેર એવોર્ડ યોજાશે. 28 જાન્યુઆરીના રોજ ગિફ્ટસિટી ખાતે ફિલ્મફેર એવોર્ડ 2024 ફંકશન યોજાશે. બોલીવુડના ખ્યાતનામ કલાકારો ગુજરાત ગિફટ્સિટીના મેહમાન બનશે. આ રોમાંચક ફિલ્મફેર એવૉડર્સ માટે બોલિવુડ સ્ટાર સહિત સૌ કોઈ ઉત્સાહિત બન્યા છે. ફિલ્મફેર એવોર્ડ સમારોહના માધ્યમથી ગિફ્ટસિટીનું સમગ્ર દેશ-દુનિયામાં માર્કેટિંગ કરવા ગુજરાત ટુરિઝમે પ્રયાસ કર્યા છે.

28 જાન્યુઆરીના ગિફ્ટ સિટીમાં કાર્યક્રમ

ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે 28 જાન્યુઆરીના રોજ 69મા હ્યુન્ડાઈ ફિલ્મ ફેર એવોર્ડ્સનું આયોજન થયું છે. ગુજરાત ટુરિઝમના સહયોગથી યોજાનારી આ ઈવેન્ટમાં બોલિવૂડના સ્ટાર્સ પરફોર્મન્સ આપશે અને આ સાથે ભારતીય સિનેમામાં યોગદાન આપનારા કલાકારોને સન્માનિત કરવામાં આવશે. આ સેરેમનીમાં રણબીર કપૂર, વરુણ ધવન, કરીના કપૂર ખાન, જાન્હવી કપૂર, સારા અલી ખાન અને કાર્તિક આર્યન પરફોર્મન્સ આપશે, જ્યારે કરણ જોહર, આયુષ્માન ખુરાના અને મનીષ પોલની ત્રિપુટી દ્વારા સેરમેનીને હોસ્ટ કરવામાં આવશે.

27 જાન્યુઆરી મહાત્મા મંદિરમાં કાર્યક્રમ

ગુજરાત પ્રવાસન વિભાગના નેતૃત્વમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઈવેન્ટની શરૂઆત 27 જાન્યુઆરીએ મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરથી થશે, જેમાં ગુજરાત ટુરિઝમની કર્ટેન રેઝર સેરેમની થશે. તેમાં ટેકનિકલ એવોર્ડ જીતનારા કલાકરોને ફિલ્મ ફેર એવોર્ડથી સન્માનિત કરાશે. આ સાંજની સેરેમનીને કરિશ્મા તન્ના અને અપારશક્તિ ખુરાના હોસ્ટ કરશે. સાંજના સમયે શાંતનુ અને નિખિલના કલેક્શનનો ફેશન શો યોજાશે. ત્યારબાદ પાર્થિવ ગોહિલની મ્યૂઝિક કોન્સર્ટની જમાવટ માણવા મળશે.


ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, પ્રતિષ્ઠિત 69મા ફિલ્મફેર એવોર્ડ્સ માટે ફિલ્મમેકર્સને આવકારવા ગુજરાતમાં તૈયારી ચાલી રહી છે. તેનાથી ટુરિઝમ અને સ્થાનિક અર્થવ્યવસ્થા પર સારી અસર પડશે. આ ભવ્ય આયોજન ગુજરાતમાં પ્રતિભાશાળી કલાકારો અને ફિલ્મ નિર્માતાઓને ભારતીય ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાવામાં, વિચારો અને ટેકનોલોજીના આદાન-પ્રદાનમાં પ્રોત્સાહન આપવા મહત્ત્વનો મંચ સાબિત થશે. અમે ગુજરાતની પ્રાકૃતિક સુંદરતા, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને મજબૂત માળખા સાથે ફિલ્મ ટુરિઝમ નીતિ અને ગુજરાત ટુરિઝમ પોલિસીને દુનિયા સમક્ષ રજૂ કરવા ઉત્સાહિત છીએ. આ આયોજનના માધ્યમથી ભવિષ્યમાં વિવિધ પ્રોજેક્ટ અને રોકાણને આકર્ષિત કરતા મહત્ત્વના ફિલ્મ ડેસ્ટિનેશન બનવાની અપેક્ષા છે.

ગુજરાતમાં આયોજન માટે શું છે હેતુ

આ સાથે જ ગુજરાતમાં એવૉર્ડ્સનું આયોજન કરવા પાછળના હેતુ વિશે વાત કરતાં કરણ જોહરે કહ્યું હતું કે હું ગુજરાતની મુલાકાત લેવા ખૂબ જ ઉત્સાહિત છું. ગુજરાતી સંસ્કૃતિ, પરંપરા અને હવે સશક્તિકરણ તથા આર્થિક વૃદ્ધિની ભૂમિની ઉજવણી કરવા માટે હું આતુર છે. ગુજરાત વિકાસના માર્ગ પર છે. એવામાં ગુજરાત ફિલ્મફેર એવૉર્ડ્સના આયોજન માટે બેસ્ટ સ્થળ બન્યું છે. સિનેમામાં બે મુખ્ય વસ્તુઓ છે, સેલ્યૂલોઇડ પર આપણી સંસ્કૃતિનું પ્રદર્શન અને સિનેમા હોલમાં વિશાળ આર્થિક વૃદ્ધિ અને તે બંને માટે ગુજરાત વિશેષ સ્થાન છે.


વિવિધ કેટેગરીમાં નોમિનેશન

ગુજરાત ટુરિઝમના સહકારથી યોજાઈ રહેલા 69મા હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ્સ 2024માં વિવિધ કેટેગરીમાં નોમિનેશન કરવામાં આવ્યા છે. બેસ્ટ ફિલ્મ કેટેગરીમાં 12 વીં ફેલ, એનિમલ, જવાન, ઓહ માય ગોડ 2, પઠાણ અને રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનો સમાવેશ થાય છે.

બેસ્ટ ડાયરેક્ટર કેટેગરીમાં અમિત રાય (ઓએમજી 2), એટલી (જવાન), કરણ જોહર (રોકી ઔર રાની કી પ્રેમ કહાની), સંદીપ રેડ્ડી વાંગા (એનિમલ), સિદ્ધાર્થ આનંદ (પઠાણ), વિધુ વિનોદ ચોપરા (12વીં ફેલ)નો સમાવેશ થાય છે.

બેસ્ટ એક્ટરના નોમિનેશનમાં રણબીર કપૂર (એનિમલ), રણવીર સિંહ (રોકી ઔર રાની કી પ્રેમ કહાની), શાહરૂખ ખાન (ડંકી), શાહરૂખ ખાન (જવાન), સની દેઓલ (ગદર 2), વિકી કૌશલ (સેમ બહાદુર)ને સ્થાન અપાયું છે.

બેસ્ટ એક્ટ્રેસ કેટેગરીમાં આલિયા ભટ્ટ (રોકી ઔર રાની કી પ્રેમ કહાની), ભૂમિ પેડનેકર (થેન્કયુ ફોર કમિંગ), દીપિકા પાદુકોણ (પઠાણ), કિયારા અડવાણી (સત્યપ્રેમ કી કથા), રાની મુખરજી (મિસીસ ચેટર્જી વર્સીસ નોર્વે) અને તાપસી પન્નુ (ડંકી)નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત બેસ્ટ ક્રિટિક્સ એવોર્ડ, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર, બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ, બેસ્ટ સોન્ગ, બેસ્ટ સ્ક્રિપ્ટ, બેસ્ટ સિંગર સહિત વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે.

  • Follow us on: