ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન અને તેમના પુત્ર સહિત પાંચ લોકો સામે હની ટ્રેપનો ગુનો નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમની સામે એક યુવતી મારફતે ગોંડલના આધેડને ફોન કોલમાં ફસાવીને નાણાં પડાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત મકાન પચાવી પાડવાની ધમકી અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યા સહિતની ફરિયાદ નોંધવામાં આવી છે.
60 વર્ષીય નિવૃત્ત વ્યક્તિને પ્રેમજાળમાં ફસાવવામાં આવ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે ક્ષત્રિય સમાજના આગેવાન પદ્મિની બા વાળા અને તેમના પુત્ર સહિત પાંચ લોકો સામે હની ટ્રેપ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેજલ છૈયા નામની યુવતી દ્વારા ગોંડલના 60 વર્ષીય નિવૃત્ત વ્યક્તિને પ્રેમજાળમાં ફસાવવામાં આવ્યો હતો. આરોપીઓએ આ વ્યક્તિને અવાર નવાર વીડીયો કોલ તથા વોટ્સઅપ કોલથી વાતચીત કરી હતી. આ યુવતીએ વીડિયો કોલમાં પોતાના શરીરનો કેટલોક ભાગ બતાવી આ વ્યક્તિને ફસાવ્યો હતો. ત્યાર બાદ તેની સામે બળજબરી પૂર્વક પૈસા માંગવામાં આવ્યા હતાં.
ફરિયાદીના ઘરમાં ઘૂસીને ધાકધમકી આપી હતી
તમામ આરોપીઓએ ફરિયાદીના ઘરમાં ઘૂસીને ધાકધમકી આપી હતી. આ દરમિયાન ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ આ દીકરી સાથે આવુ કેમ કરાય તેમ કહી ફરીયાદીને રોડ વચ્ચે કપડા કાઢી માર મારવાની અને મકાન પડાવી દેવાની ધમકી આપી હતી. ત્યાર બાદ ફરિયાદીએ ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી. જેમાં બળજબરીપૂર્વક પૈસાની માંગણી કરવી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.