રાજ્યના વિવિધ વેપારીઓને ત્યાં GST વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે અને બિલ વગર વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં રાજ્યમાં પાન મસાલાનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટમાં પાન મસાલાના હોલસેલ વેપારીઓની પેઢીમાં GST વિભાગે દરોડા પાડ્યા છે.


રાજ્ય GST વિભાગની એન્ફોર્સમેન્ટ બ્રાન્ચ દ્વારા મળેલી માહિતીના આધારે રાજકોટમાં તમાકુમાં વેપાર કરતા કરદાતા સામે સર્ચ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન, રોકડ વ્યવહારો દ્વારા બિનહિસાબી વેચાણ અને બિનહિસાબી સ્ટોક જેવી અનેક ગેરરીતિઓ ધ્યાનમાં આવશે તો કડકમાં કડક કાર્યવાહી GST વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. મળતી માહિતી મુજબ, રાજકોટમાં વિવિધ પાન મસાલાના હોલસેલ વેપારીઓની પેઢીમાં GST વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના મવડી વિસ્તારમાં પી પટેલ એજન્સી, કરણપરામાં રાજકમલ એજન્સી - અલ્કા સેલ્સ - જેનીશ સેલ્સ સહિતની એજન્સીઓમાં GST વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જીએસટી વિભાગની અલગ અલગ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

મહત્વનું છે કે સ્ટેટ GST વિભાગ અલગ અલગ બ્રાન્ડના પાન મસાલા હોય કે મોબાઈલ હોય કે બિઝનેસ ટુ કસ્ટમર સુધી વેચાણ કરતા વેપારીઓની અલગ અલગ વસ્તુઓ હોય તમામ વેપારીઓ મામલે અને તેમના દ્વારા કરવામાં આવતા આર્થિક વ્યવહારોની વિગતો તપાસવામાં આવે છે અને આવા વેપારીઓની જે બાતમી મળી આવે તેવા વેપારીઓને ત્યાં સર્ચ ઓપરેશન કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. GST વિભાગની આ કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. 

અગાઉ સ્ટેટ GST વિભાગ દ્વારા અલગ અલગ દિવસોમાં વિવિધ એકમોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. જેમાં લગ્ન પ્રસંગ સંબંધિત ચીજોનું વેચાણ કરતા વેપારીઓ તેમજ વેડિંગ ગારમેન્ટસના વેપારીઓને ત્યાં પણ સર્ચ કરીને કરચોરી પકડી હતી. આ વેપારીઓ સામે તપાસ કરતા બિલ વગર વેચાણનો પર્દાફાશ થયો હતો.

  • Follow us on: