- રાજ્યભરમાં જીએસટી વિભાગના દરોડા
- 51 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા
- 20 કરોડ રૂપિયાથી વધુની ટેક્સચોરી ઝડપાઈ
આજે સ્ટેટ જીએસટી એન્ફોર્સમેન્ટ વિભાગે દરોડાની કાર્યવાહી કરી હતી. રાજ્યમાં જીએસટી વિભાગના દરોડા પડતાં જ અનેક વેપારીઓમાં ફાફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. તહેવારો દરમિયાન અન્ડર બિલિંગ સહિતના મુદ્દે મળેલી ફરિયાદના પગલે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મહત્વનું છે કે રાજકોટ શહેરમાં પણ વહેલી સવારથી જ સ્ટેટ જીએસટીની એન્ફોર્સમેન્ટ વિંગ કેટલાક વેપારીઓ પર ત્રાટકી હતી. જેના પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. શુક્રવારે સવારથી જ શહેરના ધર્મેન્દ્ર રોડ, દાણાપીઠ સહિતના વિસ્તારોમાં આવેલી ડ્રાયફ્રૂટ્સની દુકાનોના વેપારીઓ પર ધોંસ બોલાવી હતી.
ઉલ્લેખનીય છે કે રાજ્ય GST ડિપાર્ટમેન્ટ દ્વારા ગુજરાતમાં ડ્રાયફ્રૂટ્સનાં વેપારીઓને ત્યાં અચાનક રેડ પાડવામાં આવી હતી. તંત્રની આ કાર્યવાહીના પગલે ડ્રાયફ્રૂટ વિક્રેતાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ તપાસમાં કેટલાક વેપારીઓ બિલ વગર માલનું વેચાણ કરતા હોવાનું અધિકારીઓની નજરે ચડવા પામ્યું હતું. જેથી આ વેપારીઓ વિરુદ્ધમાં હજુ પણ વધુ કરચોરી તપાસમાં બહાર આવે તેવી સંભાવનાઓ છે.
મહત્વનું છે કે દિવાળી પહેલાથી ઇન્કમટેક્સ અને GST દ્વારા શહેરના મોટા વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે સ્ટેટ GSTના અધિકારીઓએ વર્લ્ડ કપમાં લાખો રૂપિયા વસૂલી ટેક્સ નહીં ભરનાર હાઈફાઈ હોટલ પર પણ દરોડા પાડીને તપાસ કરી હતી. ત્યારબાદ દિવાળીના તહેવારોમાં કરોડો રૂપિયાનું ડ્રાયફ્રૂટ્સ વેચનાર અને ટેક્સ ચોરી કરનાર ડ્રાયફ્રૂટ્સના મોટા વ્યાપારીઓ પર સ્ટેટ GSTના અધિકારીઓએ સકંજો કસીને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં જ 50 લાખથી વધુની GST ચોરી સામે આવી હતી.
તહેવારનો સીઝન પૂર્ણ થયા બાદ સ્ટેટ જીએસટી દ્વારા કરચોરોને પકડવા માટે ઝુંબેશ હાથ ધરી છે. જેમાં સ્ટેટ જીએસટી દ્વારા રાજ્યમાં ડ્રાયફ્રુટનાં 28 વેપારીઓનાં 51 સ્થળો આકસ્મિક દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. રાજ્ય GST વિભાગ દ્વારા અમદાવાદમાં 30 સુરતના 14 તો રાજકોટના 7 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ તપાસમાં કેટલાક વેપારીઓ કરચોરી કરતા હોવાનું સામે આવ્યુ છે. ડ્રાયફ્રૂટનાં વેપારીઓનાં 20 કરોડથી વધુનાં બેનામી વ્યવહારો મળી આવ્યા છે. જીએસટીની ટીમ દ્વારા કેટલાક વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરતા દુકાનમાં નોંધાયેલ માલ અને હયાત માલમાં પણ અંતર જોવા મળ્યું હતું. તો કેટલાક વેપારીઓ બિલ વિના માલનું વેચાણ કરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. જેથી આવા વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે એવું સૂત્રોએ જણાવ્યું હતું.