RTE એક્ટ-2009 અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત તા.06 જૂન 2025ના રોજ યોજાયેલ RTE પ્રવેશ પ્રક્રિયાના ત્રીજા રાઉન્ડ બાદ વધુ 2231 જેટલા બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.આ ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ આગમી તા.13 જૂન 2025 શુક્રવાર સુધીમાં જે તે શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ હાજર થઈ જરૂરી આધાર પુરાવા જમા કરાવી પ્રવેશ નિયત કરાવી લેવાનો રહેશે.
ત્રીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી
RTE પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ઉપલબ્ધ જગ્યાઓ પૈકી ત્રીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ અરજદારો દ્વારા ઓનલાઈન ફોર્મમાં પસંદ ન કરી હોવાથી પસંદગીના અભાવે સમગ્ર રાજ્યમાં ગુજરાતી માધ્યમની 624,અંગ્રેજીની 4238, હિન્દીની 1919 અને અન્ય માધ્યમની 165 એમ કુલ 6946જેટલી જગ્યાઓ ખાલી છે.રાજ્ય સરકારનાં સઘન પ્રયાસોથી વાલીઓમાં જાગૃતિ આવતા શૈક્ષણિક વર્ષ 2025-26માં રાજયની કુલ 9814 જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળામાં જુદા જુદા માધ્યમમાં કુલ 94798 જેટલી જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ હતી.
શાળામાં રૂબરૂ જઈ પ્રવેશ મેળવી લીધો
જે પૈકી વિદ્યાર્થીઓની પસંદગી અને 6 કિમીની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઇ પ્રથમ અને બીજા રાઉન્ડમાં કુલ 93270 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.જેમાંથી નિયત સમયમર્યાદામાં બંને રાઉન્ડ બાદ કુલ 85744 જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઈ પ્રવેશ મેળવી લીધો છે.બીજા રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેલ 9157 જગ્યાઓ પર વધુને વધુ નબળા અને વંચિત જૂથના બાળકોને RTE હેઠળ પ્રવેશનો લાભ મળી રહે તે હેતુથી પ્રથમ તથા બીજા રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહેલા અને માન્ય અરજી ધરાવતા 82448 અરજદારોને શાળાઓની પુનઃપસંદગીની તક તા.02 થી 04 જૂન 2025 દરમિયાન આપવામાં આવી હતી.આ સમયગાળામાં કુલ 31391 અરજદારોએ શાળાઓની પુનઃપસંદગી કરી હતી, જ્યારે બાકીના 51057 અરજદારોએ અગાઉ પસંદ કરેલ શાળાઓ યથાવત રાખી હતી.