રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી છે. રાજ્યના વિવિધ સ્થળોએ હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી હતી. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ પધરામણી કરી છે. અમરેલીના વડીયા શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઇ છે.


રસ્તાઓ પર વહેતા થયા પાણી

અમરેલીના વડીયા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. PGVCL રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા છે. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓ થઇ રહી છે. પોસ્ટ ઓફિસ નજીક નદીની જેમ રસ્તા પર પાણી વહી રહ્યા છે. તો આ તરફ, ભાવનગરના ગારીયાધાર શહેરમાં વરસાદ પડ્યો છે. જેના કારણે અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળી છે. ગારિયાધારમાં પવનના સુસવાટા સાથે વરસાદ પડ્યો છે. તાલુકાના પર્વડી, પાચ્છેગામ, પાલડીમાં મેઘરાજા વરસ્યા છે. ગણેશ ગઢ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે આગમન કર્યુ છે.

અમરેલીના ધારીમાં મેઘરાજાની પધરામણી

અમરેલીના ધારીના ઇંગોરાળા, જીરા, દેવળા ગામ, આંબરડી સફારી પાર્ક સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. દલખાણીયા, ગીગાસણ, બોરડીમાં વરસાદ પડતા લોકોને રાહત મળી હતી. ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ ખાબક્યો હતો. વિસાવદર તાલુકામાં પવન સાથે વરસાદ પડ્યો હતો. વીરપુર, મોણીયા, ચાપરડામાં વરસાદ પડતા લોકોને રાહત થઇ હતી. તો આ તરફ, ગોંડલમાં ગાજવીજ અને પવન સાથે વરસાદે પોતાનું જોર બતાવ્યુ હતુ. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. 

  • Follow us on: