ચોમાસાની હજુ સત્તાવાર શરૂઆત નથી થઇ તે પહેલા જ તંત્રની કામગીરી પર સ્થાનિકો સવાલ ઉઠાવવા લાગ્યા છે. પ્રિ મોન્સુન કામગીરી હજુ ઠેર-ઠેર યથાવત્ છે. જેને લઇને વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. રોડ-રસ્તાની કામગીરી તો કોઇ સ્થળે ભૂવા પડવાની ઘટના બનતી રહે છે. ત્યારે સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યુ છે કે, જો કર લેવામાં આવે છે તો તેની સામે સુવિધા કેમ આપવામાં નથી આવતી.
વરસાદ પહેલા જ સમસ્યા શરુ
અમદાવાદ શહેરમાં ચોમાસુ આવે અને શહેરીજનો ત્રાહિમામ પોકારી જાય છે. જેનું કારણ છે તંત્રની ઢીલી કામગીરી. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડે છે. જેને લઇને દર વર્ષે પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવે છે. આમ તો 10 જૂનથી ચોમાસાની શરૂઆત થાય છે. એવામાં આ વર્ષે સતત થતાં માવઠાનાં કારણે ચોમાસુ વહેલું આવવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. 1 જૂન સુધીમાં ચાલુ હોય તેવા તમામ કામ પૂર્ણ કરી દેવા આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ હજી પણ ઠેર ઠેર કામગીરી યથાવત છે. અધિકારીઓ હોય કે પછી હોય કર્મચારીઓ, તેઓ જાણે મનપાનાં આદેશને ઘોળીને પી ગયા હોય તેમ વ્યવહાર કરી રહ્યા હોય છે. જેને લઇને જાહેર માર્ગ પર વિકટ સ્થિતિ સર્જાય છે. સ્થાનિકોનું કહેવુ છે કે, કરોડો રૂપિયાનો ખર્ચ તંત્ર દ્વારા કરવામાં આવે છે. તો એ મુજબ સુવિધા આપવા માટે તૈયાર હોવા જોઇએ. ચોમાસા દરમિયા બોડકદેવ જજીસ બંગલો વિસ્તારમાં તો 3 ફૂટ સુધી પાણી ભરાઇ જવાની સમસ્યા દરવર્ષે જોવા મળે છે. તો આ તરફ, સ્થાનિકો કહી રહ્યા છે કે, તંત્ર માત્ર કાગળ પર જ નહી પરંતુ જમીન પર પણ કામ બતાવે.
ખાડ઼ાઓના કારણે વાહન ચાલકો પરેશાન
ચોમાસામાં પાણી ભરવવાની, ગટર ઉભરાવવાની સમસ્યા સામાન્ય રીતે દરેક જગ્યાએ જોવા મળે છે. ત્યારે સૌથી વધુ પરેશાની વાહન ચાલકો સામે આવતી હોય છે. રસ્તામાં ભૂવા પડવા, પાણી ભરાવવા જેવી સમસ્યા વાહન ચાલકો માટે વધુ જોવા મળે છે. ત્યારે ચોમાસાની ઋતુમાં મનપા પોતાના કામ સ્થાનિકો સુધી પહોંચાડે તે જરુરી છે.