અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને બોટાદ જિલ્લા સહિત રાજ્યના ૧૧ જિલ્લાઓમાં તા.10 થી 13 મે-2025 દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી થઇ રહી છે.ધારી ગીર પૂર્વ વન વિભાગ (રિજિયન) અંતર્ગત સિંહ વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી છે. સિંહ વસ્તી અંદાજ માટે એશિયાટિક લાયન લેન્ડસ્કેપ મુજબ આશરે 35 હજાર ચો.કિ.મી.નો વિસ્તાર કવર કરવામાં રાજયના 11 જિલ્લાના 58 તાલુકાઓના 8 રિજિયન,32 ઝોન અને 112 સબ ઝોનમાં સિંહ વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી છે.
અવલોકન રેકોર્ડિંગ માટે 24 કલાકનો સમય નક્કી કરાયો
16મી સિંહ વસ્તી અંદાજ કામગીરી અન્વયે વન વિસ્તારમાં બીટ અને વન વિસ્તારની બહાર 3-10 ગામોનું જૂથ મુજબ કામગીરી હાથ ધરવામાં આવી છે. અવલોકન રેકોર્ડિંગ માટે 24 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે, જેમાં પ્રાથમિક અંદાજ અને આખરી અંદાજ કામગીરી કરવામાં આવી રહી છે.ડેટા રેકોર્ડિંગ માટે સમય, જીપીએસ લોકેશન, ચિન્હો, ફોટા, મુવમેન્ટની દિશા સહિતનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે, આ કામગીરીને લગતી જરુરી વિગતો પણ નોંધવામાં આવી રહી છે. જી.આઈ.એસ અને સ્ટેસ્ટિકલ સોફ્ટવેરની મદદથી ડેટાનું એકત્રિકરણ, સંકલન, નિષ્કર્ષણ, આલેખન કરવામાં આવી રહ્યુ છે. અંતે ડેટા વિશ્લેષણ બાદ સિંહની વસ્તીનો આખરી અંદાજ અહેવાલ તૈયાર થશે.
દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે
ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. ગુજરાતમાં સૌપ્રથમ વર્ષ 1936માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી. 16મી સિંહ વસ્તી ગણતરી અંદાજ માટે મોડર્ન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.એશિયાઈ સિંહોની વસ્તી અંદાજ માટે ‘ડાયરેક્ટ બીટ વેરિફિકેશન’ ખૂબ ઉપયોગી પદ્ધતિ છે.ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયથી અમલી આ પદ્ધતિ જંગલો, ઘાસના મેદાનો, દરિયાકાંઠાના વિસ્તાર, રેવન્યુ વિસ્તારમાં અસરકારક અને અનુકૂળ રીતે કામ કરે છે.
2020માં 674 જેટલા સિંહોની વસ્તી નોંધાઇ હતી
16મી સિંહ વસ્તી અંદાજ – 2025 કામગીરી અન્વયે 8 રિજિયનમાં રિજનલ અધિકારી,ઝોનલ અધિકારી,સબ ઝોનલ અધિકારી,ગણતરીકાર,મદદનીશ ગણતરીકાર, ઓબ્ઝર્વર ,સ્વંય સેવકો સહિત અંદાજે 2900 થી વધુ માનવબળ ફરજ બજાવે છે.પ્રાપ્ત અંદાજિત આંકડા મુજબ વર્ષ-1995માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર, માદા, પાઠડા-બચ્ચા એમ મળીને 304 જેટલા સિંહ, વર્ષ-2001માં 327, વર્ષ-2005માં 359, વર્ષ-2010માં 411, વર્ષ-2015માં 523 અને છેલ્લે વર્ષ-2020માં 674 જેટલા સિંહોની વસ્તી નોંધાઇ હતી.