ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગે વાવાઝોડા અંગે નિવેદન આપ્યું હતું.અરબી સમુદ્રમાં લો પ્રેશર બિલ્ટ અપ થઈ ગયું છે.જે આગામી 36 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. જેના કારણે હવાની ગતિમાં વધારો થશે.લો પ્રેશરને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારો સહિત સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. બીજી તરફ ઓખા કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને એલર્ટ કરવામાં આવ્યાં છે.
કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને સાવચેત કરવામાં આવ્યાં
અરબ સાગરમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે વાવાઝોડાની સંભાવનાઓ છે. જેને લઈને ઓખા કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને સાવચેત કરવામાં આવ્યાં છે. ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અરબ સાગરમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અસર થઈ શકે છે.તમામ મચ્છીમારોને સાવચેતી રાખવા જણાવાયું છે. આગામી સૂચનાના મળે ત્યાં સુધી માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોને આવતીકાલ સાંજ સુધીમાં પાછા ફરવાની સૂચના અપાઈ છે.
વહીવટી તંત્ર એલર્ટ
અરબ સાગરમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પવન ફૂંકાવાની અને વરસાદની આગાહી હવામાન વિભાગે કરીને યલો એલર્ટ આપેલું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાને લેતા રાજ્યના આ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્રોને સતર્ક અને સજાગ રહેવા તેમજ 24x7 કંટ્રોલરૂમ કાર્યરત કરવા સૂચનાઓ આપી છે.