રાજ્યમાં પાણીની અછત ધરાવતા ગુજરાતના 10 જિલ્લાના તમામ તાલુકાઓમાં ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન એટલે કે 500 માઈક્રોનના પ્લાસ્ટીક લેયર ફીટ કરી આપવાની યોજના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા અમલી બનાવાઈ છે. આ યોજના હેઠળ ગુજરાતના 10 જિલ્લાના 60 તાલુકાઓની કુલ 2,419 ખેડૂતોની અરજીઓ પારદર્શી રીતે પસંદગી કરવામાં આવી છે.
જળ સંપત્તિ વિભાગની વેબસાઈટ પર ખેડૂતોના નામ જાહેર કરાયા
આ યોજના અંતર્ગત 10 જિલ્લાઓમાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, રાજકોટ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, નર્મદા અને ડાંગનો સમાવેશ થાય છે. ખેડૂત ખાતેદારો દ્વારા આ યોજના અંતર્ગત લાભ મેળવવા માટે તા. 5 મે સુધીમાં ઓનલાઈન અરજી મગાવવામાં આવી હતી. આ અરજીઓનો આજે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે ગાંધીનગર ખાતેથી ઓનલાઈન ડ્રો કરવામાં આવ્યો હતો. યોજના અંતર્ગત પસંદ થયેલા ખેડૂતોના નામની યાદી જળ સંપત્તિ વિભાગની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવી છે.
વિસ્તારોમાં ભૂગર્ભ જળની સ્થિતિમાં સુધારો થશે
ઉલ્લેખનીય છે કે આ યોજનાથી અંદાજે 125 લાખ ઘન મીટર વરસાદી પાણીનો સંગ્રહ થશે. જેના થકી 2500 હેકટર વિસ્તારને સપાટી જળથી સિંચાઈનો લાભ મળશે. રાજ્યમાં ભૂગર્ભ જળનું ખેંચાણ ઘટતા આ વિસ્તારોમાં ભૂગર્ભ જળની સ્થિતિમાં સુધારો થશે. આ ઓનલાઈન ડ્રોમાં જળ સંપત્તિ વિભાગના ખાસ સચિવ એમ. ડી. પટેલ તમામ ઝોનના મુખ્ય ઈજનેરો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.