ડ્રગ્સ વિરૂદ્ધ રાજ્યમાં મોટુ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતની જળ સિમાંકનમાંથી છેલ્લા 2 વર્ષમાં ATS દ્વારા રૂપિયા 484.85 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં આ વિગતો સામે આવી છે. દરિયાઈ પટ્ટીમાંથી ATSએ કરેલી કામગીરીના આંકડા સામે આવ્યા છે. છેલ્લા 2 વર્ષમાં ATSએ કરેલી કામગીરીના આંકડા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા છે.
વર્ષ 2023માં રૂપિયા 422 કરોડનું 60.30 કિલો ડ્રગ્સ જપ્ત
વર્ષ 2023માં રૂપિયા 422 કરોડની કિંમતનું 60 કિલો 304 ગ્રામ ડ્રગ્સ (મેથામ્ફેટામાઈન) ઝડપાયું છે. વર્ષ 2024માં રૂપિયા 62.85 કરોડની કિંમતનું 173 કિલો ચરસ તો 460 ગ્રામ હેરોઈન ઝડપાયું છે. એટીએસના ઓપરેશનમાં કુલ 6 વિદેશી નાગરીક ઝડપાયા છે.
ફોરેન પોસ્ટ ઓફિસ મારફતે ડ્રગ્સની ડિલિવરી
થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસ એટલે કે વિદેશથી આવતા પાર્સલો અમદાવાદની આ પોસ્ટ ઓફિસમાં આવે છે અને ત્યારબાદ ગુજરાતના અલગ અલગ જગ્યાઓ પર તેને ડિલિવરી કરવામાં આવતા હોય છે, ત્યારે છેલ્લા થોડા સમયથી ગુજરાતના અલગ અલગ જગ્યા ઉપર રહેતા યુવાધન નશો કરવા માટે વિદેશથી નશાકારક પદાર્થો મગાવતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેને લઈને પોલીસ પણ સતત થઈ રહી છે. અગાઉ અમદાવાદ સાઈબર ક્રાઈમ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફોરેન પોસ્ટ ઓફિસમાંથી આ પ્રમાણે વિદેશથી આવેલા નશાકારક પદાર્થોના પાર્સલો પકડી પાડવામાં આવ્યા હતા.
નશાકારક પદાર્થો પાર્સલ થતા હોય છે
ત્યારે વધુ એક વખત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફોરેન પોસ્ટ ઓફિસમાં આવેલા 105 જેટલા નશાકારક પદાર્થના પાર્સલો પકડી પાડવામાં આવ્યા છે. મહત્વનું છે કે ઈન્ટરનેટ અને ડાર્ક વેબના માધ્યમથી રમકડા તેમજ અન્ય ખાદ્ય સામગ્રીની આડમાં આ નશાકારક પદાર્થો પાર્સલ થતા હોય છે અને તે અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાં પહોંચી ત્યારબાદ જે તે સરનામા પર ડિલિવરી કરવામાં આવતા હોય છે.