ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરશે. આરોગ્ય કર્મચારીઓએ પોતાની પડતર માંગને લઈને આજથી રાજ્યવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. રાજ્યના આરોગ્ય કર્મચારી મહાસંઘના જણાવ્યા મુજબ અનેક વખત સરકારને તેમના પ્રશ્નોને લઈને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છતાં. પરંતુ તેમની વારંવારની રજૂઆત બાદ પણ સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં ના લેવાતા મહાસંઘ દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. 


આરોગ્ય કર્મચારીઓ કામથી અળગા રહેશે

રાજ્યના આરોગ્ય કર્મચારીઓ આજે 17 માર્ચથી પોતાના કામથી અળગા રહેશે. આરોગ્યકર્મી મહાસંઘ જિલ્લા કક્ષાએ કલેક્ટર, DDOને આવેદનપત્ર આપશે તેમજ 18 અને 19 માર્ચે સાંસદો અને ધારાસભ્યોને આવેદન પાઠવશે. આરોગ્ય કર્મચારીઓ પોતાના આવેદન પત્રમાં ગ્રેડ પે, ટેક્નિકલ ગ્રેડમાં સમાવેશ સહિતની માંગણીઓ મંજૂર કરવા સરકારને રજૂઆત કરી છે. રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ ઘણા સમયથી તેમના પ્રશ્નોનોનો ઉકેલ ના આવતા રોષે ભરાયા છે. આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આજથી જાહેરાત કરાયેલ અચોક્કસ મુદતની હડતાળમાં ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સહિત જિલ્લા કક્ષાના સુપરવાઈઝર પણ સામેલ થશે.

આરોગ્ય કર્મચારીઓની માંગ

આરોગ્ય કર્મચારીઓને તમામ સંવર્ગનો ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવો તેમજ ગ્રેડ- પેમાં સુધારણા કરવામા આવે અને ખાતાકીય પરીક્ષામાં મુક્તિ આપવાને લઈને મહત્વની માંગ છે. ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા રાજ્યના પંચાયત વિભાગના વર્ગ ત્રણના MPHW, FHW, MPHS, FHS, તેમજ THS,THV અને જિલ્લા કક્ષાના સુપરવાઇઝર ભાઈઓ બહેનોને ટેકનીકલ કેડર સમાવેશ અને ગ્રેડ- પે તેમજ ખાતાકીય પરીક્ષા રદ કરવા જેવી બાબત તેમજ સ્ટાફ નર્સ (પંચાયત) કેડરના નાણાકીય અને વહીવટી પડતર પ્રશ્ન પગલે સરકારને પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા અચોક્કસ મુદતની હડતાલની જાહેરાત કરી છે.

હડતાળથી દર્દીઓને હાલાકી

નોંઘનીય છે કે ત્રણ વર્ષ પહેલા કોરોના સમય બાદ વેકસિનેશન કામગીરી દરમિયાન અગાઉ આરોગ્ય કર્મચારીઓ પોતાની માગને લઈને હડતાલ પર ઉતર્યા હતા. અને હવે ફરી ગ્રેડ પે અને પરીક્ષા જેવા પોતાના પડતર પ્રશ્નોને લઈને અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરી છે. આરોગ્ય કર્મચારીઓની હડતાળની જાહેરાત બાદ સરકાર તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતરતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડશે. અત્યારે ગરમીની સિઝનમાં હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીની લાંબી કતારો જોવા મળે છે ત્યારે આરોગ્ય કર્મચારીઓની હડતાળ દર્દીઓ માટે મુશ્કેલી ઉભી કરશે.


  • Follow us on: