તાજેતરમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થઇ છે. તા. ૨૭ ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલી ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા ૧૭મી માર્ચનાં રોજ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઇ ગયા બાદ કચ્છમાં બોર્ડની પરીક્ષા માટે ફાળવાયેલા ૧,૪૪૯ બ્લોકનાં સીસીટીવી કેમેરાનાં રેકેર્ડની ચકાસણી હાથ ધરાઇ હતી. ધોરણ ૧૦ની પરીક્ષા દરમ્યાનનાં સીસીટીવી રેકોર્ડીંગની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે અને હવે ધોરણ ૧૨ની પરીક્ષાનાં સીસીટીવી કેેમેરાના રેકર્ડની ચકાસણી શરૂ કરવામાં આવી છે. ચકાસણી દરમ્યાન જે પણ વિદ્યાર્થીઓએ ગેરરીતિ કર્યાનું સામે આવશે તેવા વિદ્યાર્થીને આગામી તા. ૩૧ માર્ચનાં તાલીમ ભવન ખાતે ખુલાસા માટે બોલાવવામાં આવશે. બાદમાં જરૂર જણાયે બોર્ડ દ્વારા કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.
જિલ્લા શિક્ષણાધિકારીએ માહિતી આપી
આ બાબતે વધુ માહિતી આપતાં જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં આ વખતે ધો.૧૦ની પરીક્ષા માટે ત્રણ ઝોન બનાવવામાં આવ્યા હતા, જેમાં નખત્રાણા, ભુજ અને ગાંધીધામનો સમાવેશ કરાયો હતો, જ્યારે ધોરણ ૧૨ની પરીક્ષા ભુજ અને ગાંધીધામ બે ઝોનમાં લેવામાં આવી હતી. આ પાંચેય ઝોન મળીને કુલ ૫૪ કેન્દ્ર ઉપર ૧૬૧ બિલ્ડિંગમાં ૧,૪૪૯ બ્લોકમાં કુલ ૪૦,૯૨૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાનાં હતાં તેમાથી ૮૫૭ વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા કુલ ૪૦,૦૬૮ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી.
સીસીટીવી ચકાસણી બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે
પરીક્ષા દરમ્યાન કોઇ પરીક્ષાર્થીએ ગેરરીતિ આચરી છે કે કેમ ? તેની તપાસણી માટે જિલ્લાનાં તમામ ૧,૪૪૯ બ્લોકનાં સીસીટીવી કેમેરાના રેકોર્િંડગની ચકાસણી શરૂ કરવામાં આવી હતી, જેમાં ધોરણ ૧૦ની ચકાસણી પૂર્ણ થઇ ચૂકી છે અને હવે ધોરણ ૧૨ની ચકાસણી શરૂ કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજની ચકાસણીમાં કોઇ ગેરરીતિઓ જણાશે તો તે અંગે જે તે વિદ્યાર્થીઓને આગામી તા. ૩૧ માર્ચનાં ભુજનાં તાલીમ ભવન ખાતે બોલાવવામાં આવશે અને અહીં તેમનો ખુલાસો લેવામાં આવશે. સમગ્ર અહેવાલ તપાસ સમિતિમાં મૂકવામાં આવશે. ત્યારબાદ રાજ્યનાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ધોરણ ૧૦ અને ૧૨ના ૪૦,૦૬૮ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા
ધોરણ ૧૦ની પરીક્ષા ૩૭ કેન્દ્ર ઉપર ૧૦૫ બિલ્ડિંગમાં ૯૩૭ બ્લોકમાં ૨૬,૦૬૩ વિદ્યાર્થીઓમાંથી ૭૩૮ ગેરહાજર રહેતા ૨૫,૩૨૫ વિદ્યાર્થીઓએ, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની ૧૩ કેન્દ્રમાં ૪૮ બિલ્ડિંગમાં ૪૪૦ બ્લોકમાં ૧૩,૭૬૦ વિદ્યાર્થીઓમાંથી ૧૦૪ ગેરહાજર રહેતા ૧૩,૬૫૬ વિદ્યાર્થીઓએ અને સાયન્સ પ્રવાહમાં ૪ કેન્દ્રમાં ૮ બિલ્ડિંગમાં ૭૨ બ્લોકમાં ૧,૪૦૨ વિદ્યાર્થીઓમાંથી ૪૫ ગેરહાજર રહેતા ૧,૩૮૭ મળીને કુલ ૪૦,૦૬૮ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી હતી. જોકે, આ સિવાય વિવિધ એકાદ પેપરોમાં પણ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં જેની સંખ્યા ૨૦૯ છે.