ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા બજેટ પર કોંગ્રેસના MLA શૈલેષ પરમારએ કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે બજેટને “ચૂંટણીલક્ષી” ગણાવી સરકાર પર ગામડાંઓ સાથે અન્યાય કરવાનો આક્ષેપ કર્યો છે.
બજેટમાં 37 હજાર કરોડનો વધારો, છતાં પ્રશ્નો
પરમારે જણાવ્યું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બજેટમાં આશરે 37,000 કરોડ રૂપિયાનો વધારો થયો છે. છતાં, વિકાસની ફાળવણીમાં અસંતુલન જોવા મળે છે.
શહેરોને વધુ વિકસાવી ગામડાને તોડવામાં આવે તેવું બજેટ
સરકારે શહેરી વિકાસ માટે 7 હજાર કરોડથી વધુની ફાળવણી કરી છે પણ ગ્રામ્ય વિકાસ માટે ફક્ત 69 કરોડનો વધારો કરાયો છે. તેમના જણાવ્યા મુજબ, શહેરોને વધુ વિકસાવી ગામડાંને તોડવામાં આવે તેવું બજેટ છે.
ગ્રામ્ય અને ગરીબ વર્ગ માટે ઓછી જોગવાઈ
પરમારે દાવો કર્યો કે નવા કાચા મકાનોને પાકા બનાવવા માટે બજેટમાં વધારો કરાયો નથી. કુટીર ઉદ્યોગ માટે ફક્ત 89 કરોડનો વધારો થયો છે. સરદાર સરોવર યોજનામાં પણ નજીવો વધારો કરવામાં આવ્યો છે.ખેડૂત વીજ સહાય યોજનામાં 1289 કરોડનો ઘટાડો થયો છે. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ 131 કરોડ રૂપિયાનો ઘટાડો કરાયો છે.
ટેક્સ આવક અને નાણાંકીય ફાયદાનો મુદ્દો
તેમણે કહ્યું કે ટેક્સ આવકમાં વધારો થયો છે, તો 15મા નાણાપંચના માપદંડ મુજબ તેનો સીધો લાભ રાજ્યને મળવો જોઈએ.
આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી બજેટ
પરમારે આક્ષેપ કર્યો કે આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ બજેટ રજૂ કરાયું છે, જેથી ભાજપને રાજકીય ફાયદો થાય.
આ પણ વાંચો---- Gujarat Budget 2026 : એક જ ક્લિકમાં વાંચી લો રાજ્યનું બજેટ ટુ ધ પોઇન્ટ..