ગુજરાતમાં ખાલી પડેલી કડી અને વિસાવદર વિધાનસભાની બેઠક પર આગામી 19મી જૂને મતદાન યોજાવાનું છે. આ પહેલા ભાજપે પ્રચાર માટે જોર લગાવ્યું છે. બે બેઠકો પર ચૂંટણી જીતવા માટે ભાજપે 40 સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. આ સ્ટાર પ્રચારકોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સહિત વિજય રૂપાણી અને નીતિન પટેલનો સમાવેશ કરાયો છે. કડી બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપે બેઠક યોજી છે. કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજવામાં આવી છે. આવતીકાલથી ભાજપ કડીમાં પુરજોશથી પ્રચાર અભિયાન શરૂ કરશે.
ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ખાટલા બેઠકો કરશે
કડી અને વિસાવદરની પેટા ચૂંટણીમાં પ્રચાર માટે ભાજપ સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારશે. આવતીકાલથી ભાજપ કડી અને વિસાવદરના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર શરૂ કરશે. ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ખાટલા બેઠકો કરશે. કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા કડીમાં આજે એક પ્રાઈવેટ હોટેલમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. કાર્યકર્તાઓ સાથે મજબૂત બુથ અને મજબૂત વોટ માટે બેઠક યોજવામાં આવી હતી. મહેસાણા જિલ્લાના ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો આ બેઠકમાં હાજર રહ્યા હતાં.આવતીકાલથી કડી અને વિસાવદરમાં ભાજપ ગામડાઓમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. ગામડામાં ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો આવતીકાલથી ખાટલા બેઠકો શરૂ કરશે.
જીત મેળવવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું
બંને બેઠકો પર થઈ રહેલા ચોપાંખીયા જંગમાં બહુમતીથી જીત મેળવવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું છે. રાજ્ય અને રાષ્ટ્રીય નેતાઓને ચૂંટણીના પ્રચારમાં ઉતારી દીધા છે. કડી અને વિસાવદરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સાંસદ રૂપાલા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, ગોરધન ઝડફિયા, રજની પટેલ સહિતના નેતાઓ પ્રચાર કરશે. આ ઉપરાંત ભાજપ દ્વારા ગુજરાત સરકારે કરેલા વિકાસ કામો પણ લોકોને જણાવાઈ રહ્યાં છે. રાજ્ય સરકારના ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા સહિતના મંત્રીઓએ પણ બંને બેઠકો પર લોકસંવાદ શરૂ કરી દીધો છે.