ગુજરાતમાં કોંગ્રેસના અધિવેશન સમયે કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા માટે આવેલા રાહુલ ગાંધીએ રેસ અને લગ્નના ઘોડા અલગ કરવાની વાત કહી હતી. આ વાત તેઓ હાલમાં મધ્યપ્રદેશમા કરી રહ્યાં છે. પરંતુ ગુજરાતમાં ચૂંટણી આવતા જ કોંગ્રેસના નેતાઓ તેમના અસલ રંગમાં આવી ગયા છે. લગ્ન અને રેસના ઘોડા ફરીવાર સામ સામે આવી ગયાં છે. બીજી બાજુ કોંગ્રેસના નેતાઓ દ્વારા રાહુલ ગાંધીના નિવેદનને સમર્થન આપવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના પૂર્વ નેતા અને ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાહુલ ગાંધીને ટોણો માર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ઘોડેસવારને જ ખબર નથી કે કયા ઘોડા પર સવાર છે.
ઘોડાની ઓળખ નથી અને હારે તો ઘોડાને દોષ આપે છે
કોંગ્રેસના પૂર્વ નેતા અને ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાહુલ ગાંધીને ટોણો મારતાં કહ્યું હતું કે, ઘોડેસવારને જ ખબર નથી કે કયા ઘોડા પર સવાર છે. ઘોડાની ઓળખ નથી અને હારે તો ઘોડાને દોષ આપે છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકરોનું અપમાન કર્યું છે. કાર્યકરોને લગ્ન અને લંગડા ઘોડા કહેવું તે યોગ્ય નથી આ કાર્યકરોનું અપમાન છે. બીજી તરફ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજે કહ્યું હતું કે, દેશમાં સંગઠન સૃજન અભિયાન કોંગ્રેસે શરૂ કર્યું છે.રાહુલ ગાંધી ખામી અને ખૂબી જાહેરમાં કહેવાવાળા નેતા છે. સંગઠન-સત્તામાં પારદર્શિતા માટે રાહુલ ગાંધી કામ કરે છે. રાહુલ ગાંધીની નીતિથી સક્ષમ અને પારદર્શિતા સંગઠન મળશે.
અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી
અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા પર લખેલી પોસ્ટમાં કહ્યું હતું કે, હું 2014માં કોંગ્રેસનો પ્રદેશ પ્રમુખ હતો. ત્યારે રાહુલ ગાંધીએ રાજકોટના કાર્યકર્તાઓની મીટિંગમાં લગ્ન અને રેસના ઘોડાની વાત કરી હતી. આ જ મુદ્દો તેઓ દરેક ભાષણમાં રીપિટ કરે છે. તેમને આટલા વર્ષો પછી પણ રેસના ઘોડાની ખબર નથી. જેનો મતલબ છે કે ઘોડેસવારને જ ઘોડાની ખબર નથી. હારી જાય તો ઘોડાને જ દોષ આપે છે. કોઈપણ પાર્ટી હોય કાર્યકર્તાને લગ્નના અને લંગડા ઘોડા કહેવું તે અપમાનજનક છે.