ગુજરાતમાં ખાલી પડેલી કડી અને વિસાવદર વિધાનસભાની બેઠક પર આગામી 19મી જૂને મતદાન યોજાવાનું છે. આ પહેલા ભાજપે પ્રચાર માટે જોર લગાવ્યું છે. બે બેઠકો પર ચૂંટણી જીતવા માટે ભાજપે 40 સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. આ સ્ટાર પ્રચારકોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સહિત વિજય રૂપાણી અને નીતિન પટેલનો સમાવેશ કરાયો છે.
ભાજપે એડી ચોટીનું જોર લગાવી દીધું
મહેસાણા જિલ્લાની કડી વિધાનસભા બેઠક પર ભાજપે જોટાણાના રાજેન્દ્ર ચાવડા અને વિસાવદરમાં સહકારી આગેવાન કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. બંને બેઠકો પર ચોપાંખીયો જંગ ખેલાઈ રહ્યો છે. ત્યારે બંને બેઠકો જીતવા માટે ભાજપે એડી ચોટીનું જોર લગાવી દીધું છે. ભાજપે બંને બેઠકો પર 40 સ્ટાર પ્રચારકો મેદાનમા ઉતાર્યા છે. જેમાં કેન્દ્ર અને રાજ્યના નેતાઓનો સમાવેશ થાય છે. આ સ્ટાર પ્રચારકોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ મુખ્ય પ્રચારક તરીકે મેદાનમાં ઉતરશે.
બંને બેઠકો પર પૂર જોશમા પ્રચાર શરૂ
કડી અને વિસાવદરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સાંસદ રૂપાલા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, ગોરધન ઝડફિયા, રજની પટેલ સહિતના નેતાઓ પ્રચાર કરશે. આ ઉપરાંત ભાજપ દ્વારા ગુજરાત સરકારે કરેલા વિકાસ કામો પણ લોકોને જણાવાઈ રહ્યાં છે. રાજ્ય સરકારના ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા સહિતના મંત્રીઓએ પણ બંને બેઠકો પર લોકસંવાદ શરૂ કરી દીધો છે.બંને બેઠકો પર બહુમતિથી વિજય મેળવવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું છે.