ગુજરાતમાં કોંગ્રેસના અધિવેશન સમયે કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા માટે આવેલા રાહુલ ગાંધીએ રેસ અને લગ્નના ઘોડા અલગ કરવાની વાત કહી હતી. આ વાત તેઓ હાલમાં મધ્યપ્રદેશમા કરી રહ્યાં છે. પરંતુ ગુજરાતમાં ચૂંટણી આવતા જ કોંગ્રેસના નેતાઓ તેમના અસલ રંગમાં આવી ગયા છે. લગ્ન અને રેસના ઘોડા ફરીવાર સામ સામે આવી ગયાં છે. કોંગ્રેસનો આંતરિક કકળાટ હવે સોશિયલ મીડિયામાં પણ ધૂમ મચાવવા તૈયાર થઈ ગયો છે. સોશિયલ મીડિયામાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ સામે તરફેણમાં અને વિરોધમાં પોસ્ટ શરૂ થઈ ગઈ છે.


મિત નાયક ભાજપના નેતા સાથે કાશ્મીર ફરવા જાય છે: નાગજી દેસાઈ

કોંગ્રેસના અમિત નાયકે અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહને ભાજપ સાથે ભળેલા કહેતા જ સોશિયલ મીડિયામાં વોર શરૂ થઈ ગયો છે. હિંમતસિંહના સમર્થનમાં નાગજી દેસાઈએ અમિત નાયકનો ભાજપના નેતા સાથેનો ફોટો વાયરલ કર્યો હતો. નાગજી દેસાઈએ અમિત નાયકને બે કોડીના કહ્યા હતાં. તેમણે આક્ષેપ કરતાં કહ્યું હતું કે, અમિત નાયક ભાજપના નેતા સાથે કાશ્મીર ફરવા જાય છે. તેઓ ભાજપ-કોંગ્રેસ કરીને રાજકીય ગરીમાને નીચે લઇ ગયા છે. આવા તત્વો પક્ષ વિરોધી પ્રવૃતિઓ પહેલા પણ કરતા હતા.

અમિત નાયકે રાહુલ ગાંધીને એક પત્ર લખ્યો

કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે રાહુલ ગાંધીને એક પત્ર લખીને અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથેના ફોટો સાથે અનેક આક્ષેપ કર્યા હતાં.તેમણે પત્રિકા કાંડમાં પોતાની સામે ખોટી ફરિયાદ થઈ હોવાનું પણ કહ્યું હતું. તેમણે સંગઠન પર સવાલો કર્યા હતાં. તેમણે રાહુલ ગાંધીને લખેલા પત્રમાં કહ્યું હતું કે, લગ્ન અને રેસના ઘોડા અંગેની મારી સચોટ માહિતી આ પત્રમાં જણાવી રહ્યો છું. અમિત નાયકે સોશિયલ મીડિયામાં કોંગ્રેસમાંથી આપેલું રાજીનામું પોસ્ટ કર્યુ હતું.

ચૂંટણી આવતા જ લગ્ન અને રેસના ઘોડા સામ સામે

આગામી 19મી જૂનના રોજ કડી અને વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. આ ઉપરાંત ગ્રામ પંચાયતોની ચૂંટણી પણ જાહેર થઈ ગઈ છે. ત્યારે કોંગ્રેસમાં ફરીવાર કકળાટ શરૂ થઈ ગયો છે. ચૂંટણી જાહેર થતાની સાથે જ કોંગ્રેસના લગ્ન અને રેસના ઘોડા સામ સામે આવી ગયા છે. એકબીજા પર ભાજપ સાથે ભળેલા હોવાના જાહેરમાં આક્ષેપો થઈ રહ્યાં છે. ત્યારે કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં શાસનમાં નથી હવે તેનું સંગઠન કેવી રીતે મજબૂત થશે તેની જુના જોગીઓને ચિંતા સતાવી રહી છે.


  • Follow us on: