ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૪- ૨૫ અન્વયે રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, રાગી, મકાઇની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવનાર છે. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈ. મારફતે તેમજ તાલુકા કક્ષાએ નિગમના ગોડાઉન ખાતે તા.૩૧/૧૦/૨૦૨૪ સુધી ખેડુત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ કરવામાં આવશે.


લાભપાંચમથી કરાશે ખરીદી

ટેકાના ભાવે ખરીદી તા.૦૬/૧૧/૨૦૨૪ (લાભપાંચમ) થી તા.૧૫/૦૧/૨૦૨૫ દરમિયાન કરવામાં આવશે. બાજરી, જુવાર તથા રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ રૂ.૩૦૦/- નું બોનસ આપવામાં આવશે.નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમુનો ૭, ૧૨, ૮-અ ની નકલ, ગામ નમુના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.

આધારકાર્ડ ખાસ સાથે રાખવું

રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવેલ ખેડુતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડુતે પોતાનુ આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડુત ખાતેદારના બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે. નોંધણી કરાવતી વખતે તમામ ડોકયુમેન્ટસ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવાની રહેશે.

ખોટા ડોકયુમેન્ટ રદ કરાશે

ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ નહી કરવામાં આવે તેની ખાસ નોંધ લેવાની રહેશે. નોંધણી બાબતે કોઇ મુશકેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે તેમ નાયબ જિલ્લા મેનેજર, ગુજરાત રાજ્ય નાગિરક પુરવઠા નિગમ લી. ની યાદીમાં જણાવાયું છે.

  • Follow us on: