ગુજરાત સરકારને GST દ્વારા ફેબ્રુઆરી મહિનામાં તગડી કમાણી થઈ છે. નાણાકીય વર્ષ 2024-25માં રાજ્ય કરવેરા વિભાગની આવકમાં વધારો નોંધાયો છે. પ્રથમ 11 મહિનામાં રાજ્ય કર વિભાગને કૂલ 1,09,192 કરોડની આવક થઈ છે. ફેબ્રુઆરી સુધીમાં GSTની આવકમાં 15%નો વધારો નોંધાયો છે અને રાજ્ય સરકારની તિજોરીમાં મોટી રકમ જમા થઈ છે.


વિદ્યુત શુલ્કની 1,217 કરોડ, વ્યવસાય વેરાની 21 કરોડની આવક

તમને જણાવી દઈએ કે ચાલુ વર્ષે રાજ્ય કર વિભાગને જીએસટી દ્વારા રૂપિયા 67,079 કરોડની આવક થઈ છે. GSTની આવક 58,447 કરોડથી વધીને રુપિયા 67,079 કરોડ થઈ છે. ગત વર્ષમાં સમાન સમયગાળામાં 58, 447 કરોડની આવક થઈ હતી. ફેબ્રુઆરી 2025માં જીએસટી હેઠળ ગુજરાત સરકારને 6,388 કરોડની આવક થઈ છે. જે ગત વર્ષે થયેલી આવક કરતા 7% વધારે છે. આ સિવાય રાજ્ય સરકારને ફેબ્રુઆરી 2025માં વેટ હેઠળ 2, 807 કરોડની આવક થઈ છે તો વિદ્યુત શુલ્ક હેઠળ 1,217 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ 21 કરોડ રૂપિયાની આવક થઈ છે. આમ, રાજ્યકર વિભાગને કુલ 10,433 કરોડની આવક થઈ છે.

જાન્યુઆરીમાં કેટલી આવક થઈ હતી?

તમને જણાવી દઈએ કે રાજ્યને જાન્યુઆરી 2025માં વેટ હેઠળ રૂપિયા 2,856 કરોડની આવક થઈ હતી તો વિદ્યુત શુલ્ક હેઠળ 2,998 કરોડ રૂપિયાની આવક નોંધાઈ હતી. જ્યારે વ્યવસાય વેરા હેઠળ સરકારને રૂપિયા 21 કરોડની આવક થઈ હતી. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં જીએસટીની આવકમાં મોટો વધારો નોંધાયો હતો. ત્રીજા કવાર્ટરમાં ગુજરાતમાં જીએસટીની આવકમાં 19 ટકાનો વધારો નોંધાયો હતો. ચાલુ નાણાકીય વર્ષે ત્રીજા ત્રિમાસિક ગાળામાં જીએસટી હેઠળ 18,448 કરોડ રૂપિયાની આવક થઈ હતી.

  • Follow us on: