- બ્લેક મેજીક જેવી પ્રવૃત્તિઓ બાબતે કાયદો નથી: હર્ષ સંઘવી
- માત્ર ભારત જ નહીં પરંતુ વિકસિત દેશોમાં પણ છે કાયદો
- ભારતમાં આવી બાબતો ધ્યાને આવે છે અને તેને રોકવી જરૂરી
વિધાનસભામાં ચાલી રહેલા ચોમાસુ સત્ર દરમિયાન આજે ગૃહમાં કાળા જાદુ નિર્મુલન બિલ રજૂ કરવામાં આવ્યું હતું અને તે સર્વાનુમતે પસાર થયુ છે. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આ બિલ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યુ છે અને કહ્યું કે બ્લેક મેજીક જેવી ચાલતી પ્રવૃત્તિઓ બાબતે રાજ્યમાં કોઈ કાયદો નથી, તે લાવવામાં આવશે.
કાળા જાદુ અંગેનું બિલ વિધાનસભામાં સર્વાનુમતે પસાર
કાળા જાદુ અંગેનું બિલ વિધાનસભામાં સર્વાનુમતે પસાર થયું છે. વિધાનસભા ગૃહમાં હર્ષ સંઘવીએ જવાબ આપતા કહ્યું કે કોઈ માનનીય ભુવાજીઓને આમાં નથી જોડ્યા, દોરો બાંધવો અને વાળ બાંધી લટકાવવા બંનેમાં ફરક છે. ખોટા લોકો આસ્થાને અલગ દિશામાં ન લઈ જાય એના માટે આ બિલ છે, શોષિત લોકોને બચાવવા માટે આ બિલ છે.
માત્ર ભારત જ નહીં પરંતુ વિકસિત દેશોમાં પણ બ્લેક મેજીક જેવી પ્રવૃતિઓ વિરૂદ્ધ કાયદો: હર્ષ સંઘવી
વધુમાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે માત્ર ભારત જ નહીં પરંતુ વિકસિત દેશોમાં પણ બ્લેક મેજીક જેવી પ્રવૃતિઓ વિરૂદ્ધ કાયદો છે અને ભારતમાં આવી ઘણી બાબતો ધ્યાનમાં આવે છે અને તેને રોકવી જરૂરી છે. થોડા સમય અગાઉ ગીર સોમનાથ જિલ્લામાં વળગાડની શંકા રાખી 2 કલાક સુધી આગ લગાડી દિકરીને ઉભી રખાઈ હતી અને પછી ખેતરમાં જ રાખી હતી.
આશારામ આશ્રમની પાછળ બે બાળકોની બલી ચઢાવાઈ હતી જો એ સમયે આ બિલ હોત તો આશારામ સાબરમતી જેલમાં હોત: શૈલેષ પરમાર
શૈલેષ પરમારે કહ્યું હતું કે આશારામ આશ્રમની પાછળ બે બાળકોની બલી ચઢાવાઈ હતી જો એ વખતે આ બિલ હોત તો આશારામ જયપુરની જગ્યાએ સાબરમતી જેલમાં હોત. ભુવાઓ માતાજીના હોય છે તેમની રમેલમાં લોકો જાય છે, અહિંયાથી પણ લોકો જાય છે, લોકોની આસ્થાનો વિષય હોય છે. પોલીસ કોઈને પકડી જાય પછી આવા ડાકણ કે ભૂત ભગાડવા વાળા લોકો ઓછા થશે.
ભુતિયા શિક્ષકો અંગેનો મુદ્દો ગૃહમાં ચર્ચાયો
ભુતિયા શિક્ષકો અંગેનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ચર્ચામાં આવ્યો હતો અને તેને લઈને પ્રશ્ન કરવામાં આવ્યો છે. જેમાં દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડીના પ્રશ્ન પર શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરે જવાબ આપ્યો કે બનાસકાંઠા જિલ્લામાં 12 શિક્ષકો ઘણા સમયથી ગેરહાજર છે. પાટણ જિલ્લામાં 7 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર છે. આ શિક્ષકો વિદેશ પ્રવાસે છે અને એક પણ શિક્ષકને પગાર ચૂકવવામાં આવ્યો નથી. બધા રજા મૂકીને ગયેલા છે. ત્યારે બનાસકાંઠાના 6 શિક્ષકોને બરતરફ કર્યા છે. બનાસકાંઠાના બે શિક્ષકોના રાજીનામા પણ મંજૂર કર્યા છે તેમજ પાટણના 7 શિક્ષકો સમય મર્યાદામાં છે, જેથી હાલ કાર્યવાહી કરી નથી, તેઓ રજા મુકીને વિદેશ ગયા છે.