રાજ્ય સરકાર દ્વારા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન-GCMMF અને જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં વધુ પારદર્શિતા લાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત વહીવટી-નાણાકીય હિસાબ તપાસણીના ઓડિટ વર્ષ 2024-25થી નવા નિયત કરેલા નમૂના મુજબ કરવામાં આવશે. સાતત્યતા, પારદર્શિતા તેમજ સંસ્થાઓની સાચી વહીવટી અને નાણાકીય પરિસ્થિતિનો અંદાજ મેળવી શકાય તે હેતુથી રાજયના ફેડરેશન-દૂધ ઉત્પાદક સંઘના વર્ષ 2024-25ના ઓડિટ માટે નવીન નમૂના નિયત કરવામાં આવ્યા છે.
ઓડિટ વર્ષ 1983ના ઓડિટ મેન્યુઅલ મુજબ કરવામાં આવતું હતું
નિરીક્ષણ અને અન્વેષણ સમિતિની મળેલી 41મી બેઠક અંગેની વિગતો આપતા સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે,અત્યારસુધીમાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘનું ઓડિટ વર્ષ 1983ના ઓડિટ મેન્યુઅલ મુજબ કરવામાં આવતું હતું.છેલ્લા 42 વર્ષ દરમિયાન આ ફેડરેશન-દૂધ ઉત્પાદક સંઘના ટર્ન ઓવરમાં સતત વધારો થતાં તેમજ અન્ય વહીવટી કારણોસર નિયત નમૂનામાં ફેરફાર કરવા અતિ આવશ્યક જણાતાં, ખાતાના નિવૃત્ત અધિકારીઓ અને સી.એ ફર્મના સૂચનો મેળવી વહીવટી અને નાણાકીય હિસાબ તપાસણી યાદીના નવીન નમૂના તૈયાર કરવામાં આવ્યા છે.
દૂધ ઉત્પાદક સંઘ તેમજ સભાસદોને અનેક ફાયદા થશે
મંત્રીએ જણાવ્યું હતું કે,આ ફેડરેશન-દૂધ ઉત્પાદક સંઘના ઓડિટ માટે હિસાબી તપાસણી યાદીના નવીન નમૂના લાગુ કરવાથી ફેડરેશન-દૂધ ઉત્પાદક સંઘ તેમજ સભાસદોને અનેક ફાયદા થશે જેમ કે,આ દૂધ ઉત્પાદક સંઘમાં કુલ સભાસદો તેમજ નોંધાયેલ મંડળી પૈકી સભાસદ તથા બિન-સભાસદ મંડળીઓની વિગતો,દૂધ ખરીદ કેન્દ્રો,સૂચિત મંડળીઓ,વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીલક્ષી વિગતો,વાર્ષિક સાધારણ સભા અને તેમાં થયેલા ઠરાવની સંખ્યા,ભરતી તેમજ ગત વર્ષના ઓડિટર અને નાણાકીય ઓડિટરની વિગતો મળી રહેશે.
કુલ દૂધ નિકાલમાં આવતી ઘટ અંગેની વિગતો પણ મળી રહેશે
આ ઉપરાંત ફેડરેશન-દૂધ ઉત્પાદક સંઘની પ્રોજેક્ટ પોલીસી તેમજ સંસ્થાના તમામ મકાન,મશીનરી,વાહનો,માલસામાનનો સ્ટોક,રોકડ રકમના વીમા,સંસ્થામાં ફેડરેશનનું આયોજન અને ઉત્પાદન અંગેની વિગતો,દૂધની આવક તથા તેનું મેળવણું-રિકન્સીલેશન,દૂધ અને દૂધની બનાવટોના ઉત્પાદન,વેચાણ,કુલ દૂધ નિકાલમાં આવતી ઘટ અંગેની વિગતો પણ મળી રહેશે. ફેડરેશન-દૂધ ઉત્પાદક સંઘના હિસાબ તપાસણી યાદીના નવીન નમૂનાની મદદથી સંસ્થાના પ્લાન્ટ અને તેના ઉપયોગ, લેબર કોન્ટ્રાક્ટના કરાર, સંસ્થામાં થતા ટ્રાન્સપોર્ટ કરાર, દૂધ સિવાયના ખર્ચ-ખરીદીના રૂ.પાંચ લાખની ઉપરના કરાર, સ્થાયી મિલકત, અમલીકરણ થતાં પ્રોજેક્ટ, સંસ્થા દ્વારા અને સંસ્થા ઉપર થયેલ તમામ કોર્ટ કેસ અંગેની અદ્યતન વિગતો તેમજ સંસ્થાના સરવૈયા અને નફા નુકસાન ખાતાના ગુણોત્તરો અંગેની તમામ વિગતો મેળવી શકાશે.