ઉનાળાની સિઝન અને વેકેશન હોય ત્યારે ગુજરાતના મોટા ભાગના પ્રવાસીઓ ઠંડા પ્રદેશોમાં ફરવા માટે જતાં હોય છે. આ માટે પ્રવાસીઓ અગાઉથી જ એડવાન્સ બુકિંગ કરાવતા હોય છે. પ્રવાસીઓ માટે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, દાર્જિલિંગ અને સિક્કિમ જેવા સ્થળો પર જવા બુકિંગ કરાવતા હોય છે. પરંતુ જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદી હુમલામાં 27 પ્રવાસીઓના મોત થયા બાદ અનેક પ્રવાસીઓ કાશ્મીરમાં ફસાઈ ગયાં છે. બીજી તરફ જે લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું છે તેઓ પણ બુકિંગ કેન્સલ કરાવી રહ્યાં છે. ફસાયેલા પ્રવાસીઓ ટુર ઓપરેટરોને કહે છે કે, કોઈપણ સંજોગોમાં અમને અહીંથી પરત લઈ જાઓ.
જમ્મુ કાશ્મીર જતી ટુર્સ અને ટ્રાવેલ્સની બસો કેન્સલ
આતંકવાદી હુમલાને પગલે જમ્મુ કાશ્મીરમાં ગયેલા પ્રવાસીઓ ફસાઈ ગયાં છે. તેઓ ટુર ઓપરેટરોને ત્યાંથી પરત લાવવા માટે જણાવી રહ્યાં છે. બીજી તરફ ગુજરાતના વિવિધ શહેરોમાંથી જમ્મુ કાશ્મીર જતી ટુર્સ અને ટ્રાવેલ્સની બસો પણ કેન્સલ કરવામાં આવી છે. અમદાવાદ સહિતના સ્થળો પર ટ્રાવેલ્સ એસોસિએશનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદના ટુર અને ટ્રાવેલ્સ એસોસિએસનના પ્રમુખે કહ્યું હતું કે, ઘણી એરલાઈન્સ રિફંડ માટે તૈયાર છે. જે લોકોએ પ્રવાસ બુક કર્યો છે તેમને નુકસાન ના પહોંચે તેવા પ્રયાસો કરાયા છે. પ્રવાસીઓને સંપૂર્ણ રિફંડ મળે તે માટેના પ્રયાસો કરીશું. અમે હોટેલ અને એરલાઈન્સ તરફથી સપોર્ટ મળે તેવી આશા રાખીએ છીએ. જો તેમનો સપોર્ટ મળશે તો પ્રવાસીઓને નુકસાન નહીં થાય.
પ્રવાસીઓ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર
અમદાવાદના ટુર ઓપરેટર જયદીપ ઝાલાએ કહ્યું હતું કે, પહેલગામમાં થયેલા આતંકી હૂમલાને કારણે ટુર ઓપરેટરો અને પ્રવાસીઓમાં દહેશત ફેલાઈ છે. પ્રવાસીઓની સુરક્ષા માટે ટુર ઓપરેટરો સંભાળ રાખી રહ્યાં છે. પ્રવાસીઓ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરાયો છે. કાશ્મીરમાં જે અમારા પ્રવાસીઓ ફસાયા છે તેઓ અમારા સંપર્કમાં છે અને કેટલાકનો અમે સંપર્ક કરી રહ્યાં છીએ. તેમનામાં ડર ફેલાયો હોવાથી તેઓ કહે છે કે અમને અહીંથી કોઈપણ સંજોગોમાં પરત લઈ જાઓ.
ભાવનગરથી ઉપડતી ટુર કેન્સલ કરી દેવાઈ
બીજી તરફ ભાવનગર જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા જમ્મુ કાશ્મીર તરફ જતી ટુર્સ અને ટ્રાવેલ્સની ટુરો કેન્સલ કરી દેવાઈ છે. ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા સ્વેચ્છાએ ભાવનગરથી ઉપડતી જમ્મુ કાશ્મીરની 8થી 10 જેટલી ટુર કેન્સલ કરી દેવાઈ છે. જિલ્લાના તમામ ટ્રાવેલ્સ સંચાલકોને કાશ્મીર ટુરનો બહિષ્કાર કરવા એસોસિએશનના પ્રમુખોએ વિનંતી કરી છે. સરકારની ગાઈડલાઈન જાહેર ના થાય ત્યાં સુધી ટુર કેન્સલ રાખવા માટે વિનંતી કરી છે. બીજી તરફ કેટલાક ટુર ઓપરેટરોએ એડવાન્સમાં થયેલા બુકિંગો પણ રદ કરી નાંખ્યા છે.
પ્રવાસ અધૂરો છોડીને ગુજરાત આવવા રવાના
આ હૂમલા બાદ ભાવનગર ,બોટાદ, પાલીતાણા,મહુવાના 14 પ્રવાસીઓ પ્રવાસ અધૂરો છોડીને ગુજરાત આવવા માટે રવાના થયાં હતાં. બીજી તરફ રાજકોટના બે કપલ શ્રીનગરમાં અટવાયા છે. તેમણે એક વીડિયો મારફતે કહ્યું હતું કે, અમે ખૂબજ ગભરાયેલા છીએ. અહીં ફરવાના તમામ સ્થળો સેનાની છાવણીમાં ફેરવાઈ ગયાં છે. જમ્મુ કાશ્મીરથી ગુજરાત આવવા માટે ફ્લાઈટના ભાવ વ્યક્તિ દીઠ 35 હજાર રૂપિયા થઈ ગયાં છે. ભૂસ્ખલનને કારણે મુખ્ય માર્ગ બંધ છે. ટ્રેન અને ફ્લાઈટમાં વેઈટિંગથી પ્રવાસીઓ હેરાન થયાં છે. કેટલાક પ્રવાસીઓ એવા પણ હતાં જે કથા સાંભળવા માટે શ્રીનગર ગયા હતાં.