ગુજરાત વિધાનસભા ખાતે આજ રોજ ગ.વા.માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો તથા I.CP.S અને G.N.L.U ના સંયુક્ત ઉપક્રમે લેજિસ્લેટીવ ડ્રાફ્ટીંગ તાલીમ કાર્યક્રમનો શુભારંભ થયો હતો. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં મુલ્કી સેવા વર્ગ-1ના વિવિધ અધિકારીઓ સહભાગી બની તાલીમમાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં કાયદા નિષ્ણાતો દ્વારા વિવિધ ક્ષતિરહિત કાયદાઓની રચના કરવા માટેના મૂળભૂત સિદ્ધાંતો તથા ભારતીય બંધારણમાં કરવામાં આવેલ કાયદાકીય જોગવાઈઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમને સંબોધતા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે જાહેર જીવનમાં મેં ઘણી બધી ઘટનાઓમાં કાયદાની અગત્યતા સમજી છે. કાયદાના ડ્રાફટીંગમાં ઉભી થયેલી ગૂંચવણ તેના અમલીકરણમાં મુશ્કેલી ઉભી કરે છે. જેથી ડ્રાફટીંગમાં તેની સ્પષ્ટતા જરૂરી છે. કાયદો બનાવવા ઉપયોગમાં લેવાતા શબ્દો સરળ હોવા જોઈએ. જેથી કાયદો સામાન્ય માણસ પણ સરળતાથી સમજી તેનું પાલન કરી શકે.













