ગુજરાતમાં માર્ચ મહિનાના અંતમાં ગરમીએ માઝા મૂકી છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 1 ડિગ્રી જેટલું ઊંચકાયું છે.આગામી એપ્રિલ મહિનાના આરંભમાં આકરી ગરમીને લઈને હવામાન વિભાગે આપી ચેતવણી. માર્ચ મહિનાના મધ્યમાં હવામાનમાં પલટો આવતા તાપમાનમાં ઘટાડો થયો હતો. પરંતુ ફરી રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રી પાર પહોંચ્યો છે. માર્ચ મહિનાના અંત સાથે જ ભૂક્કા બોલાવશે તેવી કાળઝાળ ગરમી જોવા મળશે.
તાપમાનનો પારો ઉચકાયો
રાજ્યમાં મોટાભાગના સ્થાનો પર તાપમાનનો પારો ઉચકાયો છે. રાજ્યમાં સૌથી વધુ તાપમાન વલ્લભ વિદ્યાનગરમાં 41.3 ડિગ્રી નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું નલિયામાં 37.6 તાપમાન નોંધાયું. રાજકોટ 41.0, સુરેન્દ્રનગરમાં 40.8 ડિગ્રી, અમદાવાદ અને ગાંધીનગર 40.0 ડિગ્રી તાપમાન જોવા મળ્યું. જ્યારે ભુજ 40.2, વડોદરા 40.2, અમરેલી 40.4 અને કેશોદ 40.5ની આસપાસ તાપમાન નોંધાયું. આ ઉપરાંત અન્ય સ્થાનો પર ડીસા, કંડલા, સુરત અને નલિયામાં 40 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું. સુરતમાં 37.0, ડીસા 39.3, કંડલા 39.9 ડિગ્રી,ભાવનગર 38.8, મહુવા 38.0 અને સૌથી ઓછું નલિયામાં 37.6 તાપમાન નોંધાયું.
એપ્રિલમાં ગરમીનું મોજું જોવા મળશે
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી એપ્રિલ મહિનાથી મે સુધીમાં આકરી ગરમી જોવા મળશે. રાજયમાં એપ્રિલ મહિનાના આરંભ ગરમીનું તીવ્ર મોજું જોવા મળી શકે છે. સૌથી વધુ અમદાવાદ, વડોદરા અને પંચમહાલ વિસ્તારમાં કાળઝાળ ગરમીની સંભાવનાને કારણે લોકોને ચેતવણી આપી છે. કચ્છમાં હાલમાં જોરદાર પવન જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં પણ તાપમાનનો પારો 42 ડિગ્રીની આરપાર જોવા મળી શકે છે.