ગુજરાતમાં ઉનાળામાં ગરમીના પ્રકોપથી લોકોને આંશિક રાહત મળશે. રાજ્યમાં તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળ્યો. ઉત્તરથી પૂર્વમાં પવનની દિશા બદલાતા તાપમાનનો પારો થોડો નીચે આવ્યો. રાજ્યમાં સરેરાશ તાપમાન ઘટતા ગ્રામ્ય વિસ્તાર અને દરિયા કિનારાના સ્થાનો પર વધુ ઠંડક જોવા મળશે. જ્યારે શહેરી વિસ્તારમાં લોકોને કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ સુધી લોકોને ગરમીના પ્રકોપથી રાહત મળશે. પરંતુ એપ્રિલની શરૂઆતથી જ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જોવા મળી શકે.


તાપમાનમાં થયો ઘટાડો

રાજ્યમાં આ વર્ષે માર્ચ મહિનાના આરંભમાં જ મે જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અને હવે મધ્ય માર્ચમાં ગરમીનું પ્રમાણ ઘટ્યું છે. હોળી તહેવાર અગાઉ સરેરાશ 40 થી 42 ડિગ્રીની આસપાસ તાપમાન હતું અને હવે હોળી તહેવાર બાદ સરેરાશ તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો. પરંતુ રાજકોટમાં સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યારે મહુવામાં સૌથી ઓછું 35.4 તાપમાન નોંધાયું. અન્ય મોટા શહેરોનું તાપમાન સરેરાશ 35 ડિગ્રીની આસપાસ જોવા મળ્યું.આ ઉપરાંત અમદાવાદમાં 36.9, ગાંધીનગરમાં 36 ડિગ્રી, ડીસામાં 36.2, વડોદરામાં 36.4 ડિગ્રી, સુરતમાં 36.4, ભુજમાં 36.2 ડિગ્રી,અમરેલીમાં 37.4, પોરબંદરમાં 35.1 ડિગ્રી, ભાવનગરમાં 34.7, સુરેન્દ્રનગરમાં 37.7 ડિગ્રી, અને કેશોદમાં 36.5 ડિગ્રી તાપમાન નોંધાયું.

ગરમીના પ્રકોપથી આંશિક રાહત

માર્ચ મહિનાની શરૂઆતમાં જ લોકો ગરમીથી ત્રસ્ત જોવા મળ્યા. રાજ્યમાં સરેરાશ તાપમાન 40 ડિગ્રીએ પંહોચતા તંત્ર પણ એલર્ટ થયું. અને હોસ્પિટલમાં હિટ સ્ટ્રોક વોર્ડ તૈયાર કર્યા. ડોકટર દ્વારા પણ લોકોને દિવસ દરમિયાન વધુ પાણી પીવાની તેમજ ગરમીમાં બહાર ના નીકળવાનું સૂચન કરવામાં આવ્યું હતું. માર્ચના આરંભમાં ગરમીનો પારો ઉચકાયો હતો જ્યારે મધ્ય માર્ચમાં એટલે કે આ સપ્તાહના આરંભમાં પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો. તાપમાન ઘટતા લોકોને ઉનાળામાં ગરમીના પ્રકોપથી આંશિક રાહત મળી.

  • Follow us on: