નૂતન વર્ષના પર્વ પર ગુજરાતના અનેક મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી. સોમનાથ મંદિરમાં વહેલી સવારે મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શન કર્યા હતા. તો અહીંયા શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. ઊંઝા ઉમિયા ધામ ખાતે નૂતન વર્ષને લઇને માતાજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.


આ તરફ અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા. બીજી તરફ સુરતના પ્રખ્યાત અંબિકા મંદિરમાં સવારથી જ ભક્તોએ માતાજીના દર્શન માટે ભીડ જમાવી. બેસતા વર્ષના દિવસે લોકો મંદિરોમાં દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે, ત્યારે સુરતના અંબિકા મંદિરનું પણ એક અલગ જ માહત્મય છે. મળતી માહિતી મુજબ, અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં નગરદેવીના દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાઈન લાગી. નૂતન વર્ષના પર્વે મુખ્યપ્રધાને પણ નગર દેવીના દર્શન બાદ પૂજા અર્ચના કરી હતી. ભદ્રકાળીના દર્શન માટે વહેલી સવારથી એક કિલોમીટરની ભક્તોની લાંબી લાઈન લાગી હતી. ભક્તોએ ભદ્રકાળીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

વડતાલ મંદિરમાં અનોખો શણગાર

ખેડાના જિલ્લામાં આવેલા વડતાલ મંદિરમાં અનોખો શણગાર કરાયો. મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. રંગબેરંગી લાઈટના શણગારથી મંદિર પરિસરમાં ભવ્ય નજારો સર્જાયો હતો.મહત્વનું છે કે. વડતાલ મંદિરનો 200 વર્ષ પૂર્ણ થતા 7થી 15 નવેમ્બર દરમિયાન દ્વિશતાબ્દી મહોત્સવ યોજાવવાનો છે. મહોત્સવ પહેલા મંદિરમાં અનોખી શોભા જોવા મળી રહી છે.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં નૂતન વર્ષની પ્રાતઃઆરતીના દર્શનાર્થે ભક્તો ઉમટ્યાં

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વિક્રમ સંવત 2081ના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શને ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો છે. દેશ વિદેશમાંથી આવનાર શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવને શીશ નમાવી પ્રાતઃ આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. સોમનાથ મહાદેવ એટલે શાંતિના પ્રદાતા શિવજી કે જેમનો અર્થ જ કલ્યાણ થાય છે તેમની પાસે સમગ્ર વિશ્વના કલ્યાણ અને સુખ સમૃદ્ધિની ભક્તો પ્રાર્થના કરી રહ્યા છે.

નવા વર્ષે અંબાજીમાં ઉભરાયું ભક્તોનું કીડિયારું

નવા વર્ષના પ્રથમ દિવેસ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. નૂતન વર્ષના પ્રથમ દિવસે લોકો ભગવાનના દર્શન કરી નવા વર્ષની શુભ શરૂઆત કરી રહ્યાં છે. અંબાજી મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માઁ અંબાના દર્શને પહોંચ્યા છે. નવા વર્ષની વહેલી સવારથી જ મોટી સંખ્યામાં યાત્રિકોની ભીડ જોવા મળી રહી છે.

હનુમાનજી દાદાને સુવર્ણ વાઘાનો કરાયો શણગાર, "જય બજરંગ"ના લાગ્યા નારા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામ આવેલ છે સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર કે જે દેશવિદેશના લાખો ભાવિકોનું શ્રદ્ધાનું કેન્દ્ર છે ત્યારે આજરોજ નૂતન વર્ષના પ્રારંભે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શને ઉમટી પડ્યા હતા તો આજે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને સુવર્ણ (સોનાના) વાઘા શણગાર સજાવવામાં આવ્યા હતા અને વિશેષ પૂજન અર્ચન કરાયું હતું સમગ્ર મંદિરમાં વિશેષ શણગાર સજાવવામાં આવ્યા હતા, મોટી સંખ્યામાં ભાવિકોએ નવા વર્ષે કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, આજે નૂતન વર્ષ નો પ્રથમ દિવસ અને એમાં પણ દાદાનો શનિવાર ત્યારે આજે અનોખા સંયોગ નિમિતે ભાવિકોમાં ઉત્સાહ છે તો મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી અને શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ નૂતન વર્ષે ભાવિકોને શુભકામનાઓ પાઠવી હતી.

નૂતન વર્ષે ભગવાન શામળિયાને સુવર્ણ ભેટ, 400 ગ્રામના વજનની પાદુકા અર્પણ

અરવલ્લી જિલ્લામાં આવેલ શામળાજી મંદિરમાં નૂતન વર્ષે ભગવાન શામળિયાને ભક્ત પરિવાર દ્વારા સુવર્ણ ભેટ અર્પણ કરવામાં આવી. હિંમતનગરના ભક્ત પરિવાર દ્વારા શામળિયાને સોનાની પાદુકા અર્પણ કરાઈ છે. જેની કિંમત 30 લાખ રૂપિયા ઉપરની છે અને જે પાદુકાનું વજન 400 ગ્રામ છે. નવાવર્ષે શામળિયાને સોનાનું દાન કરી ભક્ત પરિવારએ ભાવ વ્યક્ત કર્યો.


  • Follow us on: