- દુર્ઘટના મામલે પાલિકા પાસેથી જરૂરી દસ્તાવેજ મંગાવાયા
- PMOમાં અસરગ્રસ્તોની વિગતો મોકલી દેવામાં આવી: કલેકટર
- નિયમો ન બને ત્યાં સુધી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ રહેશે
હરણી દુર્ઘટના બાદ કલેકટર અતુલ ગોરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જિલ્લા કલેકટરે કહ્યું છે કે દુર્ઘટના મામલે તપાસમાં પાલિકા પાસેથી જરૂરી દસ્તાવેજ મંગાવી લેવામાં આવ્યા છે અને તમામ દસ્તાવેજોની તપાસ થઈ રહી છે.
વધુમાં કલેકટર અતુલ ગોરે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સહાયની જાહેરાત બાદ દુર્ઘટનામાં મૃતક અને ઇજાગ્રસ્તોને સહાય મળી રહે તે માટે ગત રાત્રે જ વડાપ્રધાન કાર્યાલયમાં વિગતો મોકલી દેવામાં આવી છે. ટૂંક સમયમાં ઇજાગ્રસ્તો અને મૃતકોના પરિવારજનોના ખાતામાં સહાયની રકમ જમા થઈ જશે.
ન્યાયપૂર્ણ તપાસ ચાલી રહી છે: કલેકટર
તો, દુર્ઘટનાની તપાસને લઈને જિલ્લા કલેકટરે જણાવ્યું છે કે ન્યાયપૂર્ણ પ્રક્રિયા ચલાવવામાં આવશે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે અકસ્માત કેવી રીતે થયો અને અકસ્માત થવા પાછળ શું કારણ હતું તે અંગે પણ તપાસ કરવામાં આવશે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે ત્રિસ્તરીય તપાસ ચલાવવામાં આવી રહી છે
વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ કરાઇ
સુરક્ષાને ધ્યાને તમામ સ્થળે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ કરી દેવામાં આવી છે. નર્મદા નદીમાં બોટ પર આજીવિકા મેળવનાર માટે લાઇફ બોટ ફરજિયાત કરવામાં આવ્યા છે. વડોદરા શહેર અને જિલ્લામાં રિસોર્ટ, બોટિંગ વગેરે અચોક્કસ મુદ્દત માટે બંધ કરવામાં આવ્યા છે. વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીને લઈને નિયમો બન્યા બાદ જ બધુ ફરી ચાલુ કરવામાં આવશે. તેમજ, નિયમો લાગુ થયા બાદ જો કોઈ નિયમોનો ભંગ કરશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.