અમદાવાદમાં આરોગ્ય વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. નરોડામાં આરોગ્ય વિભાગે કાર્યવાહી કરતાં શંકાસ્પદ સામગ્રીનો જથ્થો જપ્ત કર્યો. આરોગ્ય વિભાગને બાતમી મળી હતી કે શ્રીનાથ એસ્ટેટમાં ઘી બનાવવામાં ગેરરીતિ આચરવામાં આવે છે. જેના બાદ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી. શ્રીનાથ એસ્ટેટ પર પાડવામાં આવેલ દરોડામાં 1000 કિલો ક્રીમનો જથ્થો સીઝ કરવામાં આવ્યો. હાલ મનપા આરોગ્ય વિભાગ દ્વારા ગરમીની સિઝનને લઈને તકેદારીના ભાગરૂપે દરોડાની કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે.


ઘી બનાવવા ક્રીમનો ઉપયોગ

આરોગ્ય વિભાગે શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં દરોડા પાડી શંકાસ્પદ વસ્તુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. વિભાગ દ્વારા આજે નરોડા ઉપરાંત બોડકદેવ વિસ્તારમાં પણ દરોડા પાડવામાં આવ્યા. બોડકદેવ વિસ્તારમાં ડેરીઓ અને ખાણીપીણીની વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો પર ચકાસણી કરવામાં આવી રહી છે. અત્યારે માર્ચના અંત સાથે તાપમાનમાં વધારો થતાં ગરમીનું પ્રમાણ વધ્યું છે.

આરોગ્ય વિભાગના દરોડા

ગરમીની સિઝનમાં ઠંડા-પીણાં અને આઈસક્રિમનું મોટાપાયે વેચાણ થતું હોય છે. ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડાં ના થાય માટે આરોગ્ય વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. હજુ બે દિવસ પહેલા જ વિભાગે શહેરમાં 5 સ્થળે દરોડા પાડી શંકાસ્પદ 499 કિલો પનીરનો જથ્થો જપ્ત કર્યો હતો. નિકોલ, ગોતા અને જીવરાજપાર્ક સહિતના સ્થળો પર પાડવામાં આવેલ દરોડામાં વિભાગે અખાદ્ય અને શંકાસ્પદ સામગ્રીના જથ્થો જપ્ત કરી દુકાનદારોને નોટિસ મોકલી હતી.

ગરમીની સિઝનમાં વિભાગની તકેદારી

મહત્વનું છે કે ગરમીની સિઝનમાં કોઈપણ ખાદ્ય પદાર્થ લાંબા સમય સુધી ખુલ્લો રાખી શકાય નહીં. આ ઉપરાંત આઈસક્રીમ અને ઠંડા પીણાંમાં ફલેવર જાળવી રાખવા નખાતા એસેન્સમાં તેની માત્રામાં ધ્યાન રાખવામાં ના આવે તો તે અનેક વખત હાનિકારક સાબિત થતા હોય છે. ભેળસેળયુક્ત અને બનાવટી ખાદ્યપદાર્થનું સેવન કરવાથી લોકોના સ્વાસ્થય પર ગંભીર અસર થઈ શકે છે. અગાઉપણ રાજ્યભરમાં ખાસ કરીને તહેવારની સિઝન દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈ અને ફરસાણની દુકાનો તેમજ કોલેજની કેન્ટીનમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  

  • Follow us on: