• જૂનાગઢના માણાવદર અને માળીયામાં અસરગ્રસ્ત લોકોની મદદે આવી પોલીસ
  • પોલીસે કોઝ વે પરથી વ્યકિત તણાતો હતો તેને બચાવ્યો
  • જિલ્લા પોલીસ વડા અને પોલીસ સ્ટાફ લોકોની વચ્ચે પહોંચ્યા

જૂનાગઢમાં મેઘો ધમાકેદાર બેટીંગ કરી રહ્યો છે.તેની વચ્ચે માણાવદર અને માળીયામાં ઘરમાં ફસાયેલા લોકોનું પોલીસે રેસ્કયુ કર્યુ છે અને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથધરી છે,એક વ્યકિત કોઝ વેમાં તણાતો હતો તેને માંડ માંડ પોલીસે બચાવ્યો છે.ચાલુ વરસાદે જિલ્લા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે.

ગીર ગઢડામાં પાંચ ઇંચ વરસાદ થયો

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. ગીર સોમનાથ જિલ્લામાં સવારથી વરસાદ પડી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનારમાં આજે સવારનાં છ વાગ્યાથી બપોરનાં 2 વાગ્યા સુધીમાં 2 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો. આજે ગીરગઢડા તાલુકમાં ભારે વરસાદ થયો હતો.


જૂનાગઢમાં સવારથી વરસાદ

જૂનાગઢ જિલ્લામાં પણ સવારથી વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢ શહેરમાં 3 ઇંચ અને વંથલીમાં દોઢ ઇંચ વરસાદ આજે નોંધાયો હતો. માણાવદરમાં છ ઇંચ વરસાદ થયો હતો. માળિયામાં પાંચ ઇંચ વરસાદ થયો હતો. વિસાવદરમાં પાંચ ઇંચ અને કેશોદમાં ત્રણ ઇંચ વરસાદ થયો હતો. માંગરોળમાં બે ઇંચ વરસાદ થયો હતો.

પોરબંદરમાં ભારે વરસાદ

પોરબંદર જિલ્લામાં એકસાથે 27 ઈંચ વરસાદ ખાબકી જતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. એક દિવસના વિરામ બાદ આજે વહેલી સવારથી પોરબંદરમાં ફરી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. સવારે 4 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં 19 ઈંચ વરસાદ થતા સર્વત્ર ફરી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર પોરબંદર પંથકમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદે ફરી એકવાર ઘેડની કમર તોડી નાખી છે.


વરસાદે વધારી ચિંતા

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં એટલે કે માત્ર ચાર કલાકમાં કુલ 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો બીજી બાજુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં માત્ર બે કલાકમાં જ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી પણ આપી છે. ધોધમાર વરસતા વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી

ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગરમાં વરસાદ રહેશે. તેમજ બોટાદ, મોરબી, જામનગરમાં વરસાદ રહેશે તથા ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી સાથે મહીસાગર, ખેડા, દાહોદ, આણંદમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે. તથા પાટણ, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ પડશે અને મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે.

આજે સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ

સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વચ્ચે હવામાન વિભાગે આજે 10 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક સ્થળો પર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં રેડ એલર્ટ અપાયું છે. ગીર સોમનાથ અને રાજકોટમાં પણ અત્યંત ભારેની આગાહી કરાઇછે. બીજી તરફ 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જેમાં કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરનો સમાવેશ થાય છે. મધ્ય ગુજરાતના 5 જિલ્લા અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

  • Follow us on: