આજે વર્ષનો છેલ્લો દિવસ એટલે કે 31 ડિસેમ્બર છે, અને આવતીકાલથી એટલે કે આજે મધ્યરાત્રિ 12 વાગ્યાથી વર્ષ 2025ની શરૂઆત થઇ જશે. નવા વર્ષમાં ભારતમાં કેટલાક સ્થળો પર કાતિલ ઠંડીનું મોજુ ફરી વળવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ભારતભરતમાં શિયાળો બરાબર જામ્યો છે અને ઠંડી સાથે શીતલહેર પ્રસરી રહી છે. ખાસ કરીને ઉત્તરભારતના રાજ્યોમાં ઠંડી આગામી દિવસોમાં જોર પકડશે.
ઠંડીને લઇ હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં વાતાવરણ સૂકું રહેતા ઠંડીનો ચમકારો રહેશે. ગઈકાલે નલિયામાં લઘુતમ તાપમાન 6 ડિગ્રી નોંધાયું હતું. આગામી 5 દિવસમાં 2થી 3 ડિગ્રી તાપમાન વધશે તેવું હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવામાં આવ્યું છે. અમદાવાદમાં લઘુતમ 15 ડિગ્રી સુધી જઈ શકે છે. હવામાન વિભાગ અને આગાહીકારોની આગાહી પ્રમાણે, રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હજુ પણ માવઠાનું સંકટ તોળાઇ રહ્યું છે, જો રાજ્યમાં આજે માવઠું થશે તો ખેડૂતો અને ખેતીને નુકસાન પહોંચી શકે છે, અત્યારે ખેડૂતોનો વરિયાળી, બટાટા, ઘઉં, ચણા, જીરૂ અને રાયડો પાક છે, જો વરસાદ પડશે તો આ તમામ પાકોમાં મોટુ નુકસાન પહોંચી શકે છે.













