જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ત્યાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તે ઉપરાંત તંત્રને કયા જિલ્લાના કેટલા પ્રવાસીઓ કાશ્મીરમાં છે તેની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. ગાંધીનગર જિલ્લાના 173 પ્રવાસીઓ હાલ જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા છે. આ તમામ નાગરિકો સુરક્ષિત હોવાની વિગતો તંત્રને મળી છે. જ્યારે વડોદરાના 23 પ્રવાસીઓ આવતીકાલે સ્વરાજ એક્સપ્રેસ દ્વારા પરત આવવા રવાના થશે.


ગાંધીનગર જિલ્લાના 173 પ્રવાસીઓ કાશ્મીરમાં ફસાયા

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગાંધીનગર જિલ્લા વહિવટી તંત્રને જિલ્લાના 173 પ્રવાસીઓ કાશ્મીરમાં ફસાયા હોવાની વિગતો મળી છે. જેમાં દહેગામના 52, કલોલના 107 અને ગાંધીનગરના 14 પ્રવાસીઓ કાશ્મીરમાં ફસાયા હોવાની વિગતો તંત્રને મળી છે. આ તમામ પ્રવાસીઓ સુરક્ષિત હોવાની વિગતો પણ તંત્રને પ્રાપ્ત થઈ છે. આ તમામ પ્રવાસીઓ સુરક્ષિત રીતે પરત ફરે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે.

કાલે સવારે 11 વાગ્યે ટ્રેન જમ્મુથી ઉપડશે

બીજી તરફ વડોદરાના 23 પ્રવાસીઓ કાશ્મીરમાં ફસાયા હતાં. આ તમામ પ્રવાસીઓને આજે કાશ્મીરથી સ્વરાજ એક્સપ્રેસ મારફતે વડોદરા રવાના કરાશે. આવતી કાલે સવારે 11 વાગ્યે ટ્રેન જમ્મુથી ઉપડશે. 26 તારીખે 11 વાગ્યા સુધી યાત્રીઓ વડોદરા આવી પહોંચશે. રાજ્યના અનેક પ્રવાસીઓ હજી કાશ્મીરમાં ફસાયેલા છે. તેમને પરત લાવવા માટે પણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.


  • Follow us on: