જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા પટેલ નગર પાસે જડેશ્વર ચાર રસ્તા નજીક ગઈકાલે રાત્રે 10.30 વાગ્યે શબ્બીરભાઈ ઉર્ફે સદામ ઈકબાલભાઈ થૈયમ નામના યુવાન પર હર્ષદમીલની ચાલી શેરી નંબર 2માં રહેતા ધર્મેન્દ્રસિંહ પ્રફુલ્લસિંહ ચૌહાણ તથા નિરંજનસિંહ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ નામના પિતા-પુત્રએ છરી વડે આત્મઘાતી હુમલો કરી શબ્બીરભાઈને ગંભીર ઈજા પહોંચાડી હતી.
ગળા તથા છાતીમાં છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ
ત્યારે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો. ત્યારે સિટી એ ડિવિઝનના પીઆઈ, સિટી ડીવાયએસપી સહિતનો કાફલો પણ આવી પહોંચ્યો હતો. પોલીસે આ વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરતા મૃતક શબ્બીરના પત્ની અકસાબેન આવી પહોંચ્યા હતા. તેઓએ પોતાના પતિની નિરંજનસિંહ અને તેના પિતા ધર્મેન્દ્રસિંહે ગળા તથા છાતીમાં છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી છે.
પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી
પોલીસે BNSની કલમ 103 (1), 54, જીપી એક્ટની કલમ 135 (1) હેઠળ ગુન્હો નોંધી અકસાબેનનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ શબ્બીરભાઈએ થોડા દિવસ પહેલાં રિક્ષા ચલાવતા જયરાજસિંહ નામના શખ્સને રૂપિયા 10,000 હાથ ઉછીના આપ્યા હતા. તે પૈસા લેવા માટે ગઈકાલે રાત્રે શબ્બીરભાઈ જ્યારે જડેશ્વર ચાર રસ્તા પાસે પહોંચ્યા, ત્યારે જયરાજસિંહના સંબંધી ધર્મેન્દ્રસિંહ ચૌહાણ સાથે બોલાચાલી થઈ ગઈ હતી.
ત્યાર પછી ઉશ્કેરાયેલા નિરંજનસિંહે પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી શબ્બીરભાઈ પર હુમલો કર્યો હતો અને ગળા પાસે એક ઘા તથા છાતીમાં બીજો ઘા ઝીંકી દીધો હતો. લોહીલુહાણ બની ઢળી પડેલા શબ્બીરભાઈનું મૃત્યુ નિપજ્યું છે. જીવલેણ હુમલો કરી આ યુવાનની હત્યા નિપજાવી બંને પિતા-પુત્ર સ્થળ પરથી પલાયન થઈ ગયા હતા. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.