કચ્છના અંજારમાં ભીમાસર પાસે સ્થિત ઓઈલ એન્ડ સોફ્ટ ઇન્ડ્રસ્ટ્રીઝના ગોડાઉમમાંથી તસ્કરોએ 4.70 લાખના તેલની ચોરી કરી હતી. જેની અંજાર પોલીસ સ્ટેશનમાં કંપનીના મેનેજરે ફરિયાદ કરી હતી. પોલીસે આ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી તેલની ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે. પોલીસે ચોરીનો માલ ખરીદનાર સહિત 6 આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી તેલ, વાહન અને મોબાઇલ સહિત 7.74 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે આ ચોરીના કેસમાં ફરાર બે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
કંપનીના મેનેજરે તેલની ચોરીની ફરિયાદ નોંધાવી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે કચ્છના અંજારના ભીમાસર ખાતે સ્થિત ઓઇલ એન્ડ સોફ્ટ ઇન્ડ્રસ્ટ્રીઝના ગોડાઉનમાંથી ગત 30મી મેના રોજ મોડી રાત્રે તસ્કરોએ અલગ અલગ બ્રાંડના તેલની ચોરી કરી હતી. આ કંપનીમાં ફરજ બજાવતા મેનેજર આનંદ રીસાલારામ શર્માએ ચોરી અંગે નોંધાવેલી ફરિયાદમાં કહ્યું હતું કે, તેમની કંપનીના ગોડાઉનના સુપરવાઈઝરે ફોન કરીને કહ્યું હતું કે, ગોડાઉનમાંથી તેલની ચોરી થઈ છે. ત્યાં તપાસ કરતાં તસ્કરો 4.70 લાખનું તેલ ચોરી ગયા હોવાનું જણાયું હતું. ત્યારબાદ મેનેજરે અંજાર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો
અંજાર પોલીસે મેનેજરની ફરિયાદના આધારે તપાસ કરતાં ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે. પોલીસે ચોરીનો માલ ખરીદનાર સહિત 6 આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી તેલ, વાહન અને મોબાઇલ સહિત 7.74 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે આ ચોરીના કેસમાં ફરાર બે આરોપીની શોધખોળ શરૂ કરી છે. બીજી તરફ કચ્છના ઔદ્યોગિક વિસ્તારમાં તેમજ હાઇવે પર લઇ જવાતા ચીજવસ્તુઓના જથ્થાની ચોરીઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે.