- અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ઉઠ્યા સવાલ
- શાહજમાન પઠાણ નામના યુવકે કર્યુ ફાયરિંગ
- શાહપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ફરી એક વખત સવાલ ઉઠ્યા છે. શહેરના મિરઝાપુર વિસ્તારમાં જાહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ફાયરિંગ કરતા વીડિયો CCTV કેમેરામાં કેદ થયા છે. મિરઝાપુર વિસ્તારમાં શાહજમાન પઠાણ નામના યુવકે ફાયરિંગ કર્યુ છે.
સદનસીબે ફાયરિંગમાં કોઈને ઈજા નહીં
વસ્તીથી ગીચોગીચ ભરેલા વિસ્તારમાં શાહજમાન પઠાણ નામના યુવકે જહાંગીર મુલ્લા નામના વ્યક્તિ પર જાહેરમાં ફાયરિંગ કર્યુ છે. પોતાના પિતાને ખોટી શીખ આપવાના આક્ષેપ કરીને શાહજમાન પઠાણે જહાંગીર મુલ્લા નામના વ્યક્તિ પર ફાયરિંગ કર્યુ છે. જો કે સદનસીબે ફાયરિંગમાં કોઈને ઈજા થઈ નથી, આ સમગ્ર ઘટના મામલે શાહપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વિસનગરમાં પણ લુખ્ખાગીરીની ઘટના આવી સામે
મહેસાણા જિલ્લામાં લુખ્ખા ગીરીની એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે અને પોલીસ અને કાયદાઓનો જાણે આ લોકોને ડર જ ના હોય તે પ્રકારનું વર્તન શહેરમાં જોવા મળી રહ્યું છે અને મહેસાણા જિલ્લામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ઉંઝા અને મહેસાણા બાદ વિસનગર શહેરનો વધુ એક CCTV વીડિયો સામે આવ્યો છે, જેમાં લુખ્ખાગીરીની વધુ એક ઘટના જોઈ શકાય છે. વિસનગરમાં શહેરમાં ગાડી પાર્ક કરવાના સામાન્ય મુદ્દે ભાવુ ઠાકોર નામના યુવાનને માર મારવામાં આવ્યો છે અને માર મારતા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. રોયલ જીમના માલીક જતીન દ્વારા માર મરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે આ સમગ્ર મુદ્દે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.