- પૂર્વ સાંસદ સોમાભાઈ ગાંડાભાઈ પટેલે ફરી ભાજપમાં પ્રવેશ કર્યો
- પૂર્વ પ્રવક્તા કિશનસિંહ સોલંકી પણ ભાજપમાં જોડાયા
- બન્ને નેતાએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. જેમાં આજે વિવિધ પક્ષો દ્વારા ફોર્મ ભરવાની શરૂઆત થઇ છે. ત્યારે પૂર્વ સાંસદ સોમાભાઈ ગાંડાભાઈ પટેલે ફરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત 7 મેના રોજ મતદાન યોજાશે. તેમાં સોમાભાઈ ગાંડાભાઈ પટેલે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં પુનઃ પ્રવેશ કર્યો છે. સોમા પટેલ અગાઉ અપક્ષ ચૂંટણી પણ લડી ચૂક્યા છે, છેલ્લે કોંગ્રેસમાં હતા અને તેમને પક્ષમાંથી દુર કરવામાં આવ્યા હતા.
બન્ને નેતાએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો
ઉલ્લેખનીય છે કે અગાઉ પૂર્વ સાંસદ અને તળપદા કોળી સમાજના નેતા સોમાભાઈ પટેલે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે આ માટે અંગત કારણોસર પક્ષમાંથી રાજીનામું આપ્યું હોવાનું કારણ આપ્યું હતું. ત્યારે ભાજપમાં ભરતી મેળામાં બે નેતા જોડાયા છે. જેમાં ભાજપના પૂર્વ પ્રવક્તા કિશનસિંહ સોલંકીએ ભાજપમાં પુનઃપ્રવેશ કર્યો છે. ગાંધીનગર ખાતે બન્ને નેતાએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો છે. બીજેપીના જ પૂર્વ પ્રવક્તા કિશનસિંહ સોલંકી દોઢથી બે વર્ષ પહેલાં આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ફોટો પડાવતા વિવાદ થયો હતો. જેમાં કિશનસિંહને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જે ફરી આજે ભાજપમાં જોડાયા છે.
કિશનસિંહને દોઢથી બે વર્ષમાં જ ફરી પક્ષમાં જોડવામાં આવ્યા
રાજકીય પક્ષ કોઈપણ નેતાને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરતી હોય છે. પરંતુ કિશનસિંહને દોઢથી બે વર્ષમાં જ ફરી પક્ષમાં જોડવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણીઓને હવે મહિનો પણ બાકી નથી ત્યારે રાજ્યમાં તમામ રાજકીય પક્ષો પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપે ચંદુભાઇ સિહોરાને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે ઋત્વિક મકવાણાને મેદાને ઉતાર્યા છે. જોકે, ચૂંટણી નજીક આવતા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને લીંબડીના પૂર્વ ધારાસભ્ય તથા કોળી સમાજના નેતા સોમાભાઈ ગાંડાલાલ પટેલે ચાર દિવસ પહેલાં પાર્ટી છોડી હતી.