ગુજરાતમાં અનેક ઠેકાણે લગ્ન પ્રસંગો ચાલી રહ્યાં છે. આજે અખાત્રીજના દિવસે સૌથી વધુ લગ્નો યોજાય છે. આ લગ્ન પ્રસંગોમાં ડીજેના મ્યુઝિકથી લોકો નાચતા હોય છે. પરંતુ મહિસાગર જિલ્લામાં ડીજેનો અવાજ ઘાતક બન્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ડીજેના અવાજથી વરરાજાના મગજની નસ ફાટી હોવાની ઘટના સામે આવી છે. વરરાજાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
ડીજેના ભારે અવાજથી વરરાજાની મગજની નસ ફાટી
પ્રાપ્ત વિગતો પ્રમાણે મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના માપપુર ગામમાં એક પરિવારમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. આ પ્રસંગે વરરાજાને ઘોડા પર બેસાડીને વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ વરઘોડામાં જાનૈયાઓ ડીજેના તાલે નાચતા હતાં. પરંતુ આ ખુશીના પ્રસંગમાં અચાનક અફરાતફરી મચી જવા પામી હતી. ડીજેના ભારે અવાજથી વરરાજાની મગજની નસ ફાટી જતાં લોકોમાં આક્રંદ જોવા મળ્યું હતું.
વરરાજાને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં
મહિસાગર જિલ્લામાં વધુ એક વ્યક્તિને ડીજેના અવાજની અસર થઈ છે. ડીજેના અવાજને કારણે વરરાજાએ હોશ ગુમાવી દીધા હતાં. એક સાથે ત્રણ જેટલા ડીજે વાગતા વરરાજા બેભાન થઈ ગયા હતાં. વરરાજા ઘોડા પર નીકળ્યા હતા તે જ સમયે તેમણે માનસિક સંતુલન ગુમાવ્યું હતું. ત્યારબાદ વરરાજાને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
ડીજેના અવાજથી લોકો હેરાન થઈ રહ્યાં છે
ઉલ્લેખનીય છે કે, શહેરો અને નગરોમાં ડીજેના અવાજથી ધ્વનિ પ્રદૂષણ ના ફેલાય તે માટે સરકાર દ્વારા કેટલાક પ્રતિબંધો પણ જાહેર કરાયા છે. વિદ્યાર્થીઓ, દર્દીઓ અને વૃદ્ધ લોકોને ડીજેના અવાજથી વધુ તકલીફ થાય છે. જેથી ડીજેનો અવાજ લિમિટમાં રાખવા માટે પણ આદેશ કરાયા છે. તે છતાંય બેફામ પણે ડીજેના અવાજથી લોકો હેરાન થઈ રહ્યાં છે. સરકારના આદેશનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે.