- માંડવી બીચ દુર્ઘટના પ્રકરણમાં સંચાલક સહીત ચાર સામે ફરિયાદ
- બીચ દુર્ઘટના પ્રકરણમાં બે લોકોની અટકાયત કરવામાં આવી
- બીચ પર દુર્ઘટના બાદ ઘાયલને સારવાર માટે લઈ જવાના બદલે સંચાલકો ફરાર
ગુજરાતના માંડવી બીચ પર ઝારખંડથી ફરવા માટે આવેલા પ્રવાસીનું પેરાગ્લાઈડીંગ રાઈડમાંથી નીચે પટકાયા બાદ મોત થયું હતું. જે મામલે શિવ વોટર્સ સ્પોર્ટના મુખ્ય સંચાલક સહીત ચાર વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધની કલમો હેઠળ ગુનો નોધાયા બાદ પોલીસે સંચાલક સહીત બે આરોપીઓની અટકાયત કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
પરિવાર શુક્રવારે માંડવી બીચ પર ફરવા માટે ગયો હતો
પ્રાપ્ત વિગતો મુજબ ઝારખંડના ફરિયાદી સુખવિંદર બલદેવસિંગ કોરે માંડવી પોલીસ મથકે શિવ વોટર્સ સ્પોર્ટના સંચાલક પંકજ ભાનુશાળી, જીજે 12 કે 8872 વાળીના ચાલક પેરાગ્લાઈડીંગ ઉંચો કરનાર બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના ભાઈ ભુજ એરફોર્સમાં હોવાથી વેકેશન કરવા બલદેવસિંગ કોર અને બે બાળકો સાથે આવ્યા હતા. ફરિયાદી અને તેમનો પરિવાર શુક્રવારે માંડવી બીચ પર ફરવા માટે ગયો હતો.
બન્ને આરોપીઓને કોર્ટમાં રજુ કરતા બે દિવસના રિમાન્ડ મંજુર થયા
બીચ પર પેરાગ્લાઈડીંગ રાઇડ ચાલુ થતા ફરિયાદીના પતિ રૂપિયા 700 નક્કી કર્યા બાદ તેમાં બેઠા હતા. જોકે ફરિયાદીના પતિને સેફટીના કોઈ સાધનો આપવામાં આવ્યા ન હતા. દરમિયાન રાઈડ ચાલ્યા બાદ આરોપીએ ગાડી પુરઝડપે ચલાવતા ફરિયાદીના પતિ જમીન પર પટકાઈ ઢસડાયા હતા. ઘટનામાં ગંભીર ઈજાઓ પહોચતા રાઈડ સંચાલકો સારવાર માટે લઇ જવાના બદલે ભાગી ગયા હતા. આસપાસના પ્રવાસીઓએ દોડી આવી બલદેવસિંગને પ્રથમ માંડવીની હર્ષ મેડીકલ સેન્ટર ખાતે લઇ ગયા બાદ ભુજની કે.કે.પટેલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થયું હતું. સમગ્ર મામલે માંડવી પોલીસ મથકના પીઆઈ ડી.ડી. શીમ્પી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આરોપી મુખ્ય સંચાલક પંકજ ભાનુશાળી અને બીચ પરના સંચાલક અબ્બાસ સુલેમાન પારાની અટકાયત કરવામાં આવી છે. બન્ને આરોપીઓને કોર્ટમાં રજુ કરતા બે દિવસના રિમાન્ડ મંજુર થયા છે.