ભાવનગરના વરતેજ વિસ્તારમાં ઝેરી અને ભેળસેળયુક્ત દારૂ પીવાના કારણે 5 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 19થી વધુ લોકોની તબિયત લથડતાં તેમને તાત્કાલિક ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સરવાર લઈ રહેલા દર્દીઓમાંથી કેટલાકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર
ઘટનાની ગંભીરતા અને તાકીદની પરિસ્થિતિને જોતાં રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા ગાંધીનગરથી વિશેષ મેડિકલ ટીમ ભાવનગર મોકલવામાં આવી છે. આ ટીમ સ્થાનિક ડોક્ટરો સાથે મળીને ઝેરી દારૂની અસર હેઠળના દર્દીઓને ક્રિટિકલ કેર અને આધુનિક લાઈફ-સપોર્ટ સારવાર પૂરી પાડશે. આ ભયાનક ઘટનાના પગલે સ્થાનિક પોલીસની બેદરકારી અને શંકાસ્પદ ભૂમિકા સામે આવતાં ભાવનગર જિલ્લા પોલીસવડા (SP) નિતેશ પાંડેયે તાત્કાલિક ધોરણે કડક પગલાં ભર્યા છે.
વરતેજ પોલીસ સ્ટેશનના 4 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ
વરતેજ પોલીસ મથકના બીટ જમાદાર અને ડી-સ્ટાફના ૩ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.ડુપ્લીકેટ દારૂ સપ્લાય કરનાર મુખ્ય સૂત્રધારો અને સ્થાનિક બુટલેગરોને દબોચી લેવા માટે એસઓજી (SOG) અને એલસીબી (LCB) ની અલગ-અલગ ટીમો બનાવી દરોડા પાડવામાં આવી રહ્યા છે.દારૂમાં કયા પ્રકારના ઝેરી કેમિકલનો ઉપયોગ થયો હતો તે જાણવા માટે એફએસએલ (FSL) ની મદદથી કેમિકલ સેમ્પલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
