અમદાવાદ શહેરમાં પત્રકારત્વના નામે બ્લેકમેઇલિંગ અને તોડબાજી કરતા તત્વો સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ લાલ આંખ કરી છે. ફરિયાદી જાગૃત નાગરિકે પોતાના મકાનના પ્રથમ માળે પતરાની છત દૂર કરીને પાકું બાંધકામ કરાવ્યું હતું. આ ગેરકાયદે બાંધકામ સંદર્ભે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના પૂર્વ ઝોન દ્વારા ફરિયાદીને બે નોટિસો આપવામાં આવી હતી.
AMC અધિકારીઓના નામે લાંચની માંગણી
આ નોટિસનો આધાર બનાવી શિલ્પાબેન વિજયભાઈ આહીર અને તેમના પતિ વિજયભાઈ ડાહ્યાભાઈ આહીરે ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. બંને આરોપીઓએ AMC ના અધિકારીઓ સાથે સેટલમેન્ટ કરાવી દેવાની અને બાંધકામ ન તોડાવવાની ખાતરી આપી AMC અધિકારીઓના નામે રૂ. 3 લાખ અને શિલ્પાબેને પોતાના રૂ. 25 હજાર મળી કુલ રૂ. 3.25 લાખની લાંચની માંગણી કરી હતી. આરોપી શિલ્પાબેને અગાઉ ફરિયાદી પાસેથી રૂ. 10 હજાર મેળવી લીધા હતા. બાકી નીકળતા રૂ. 3.15 લાખ આપવા માટે આરોપીઓ અવારનવાર દબાણ કરતા હતા. ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે ત્વરિત એસીબીનો સંપર્ક કરી સમગ્ર મામલે લેખિત ફરિયાદ નોંધાવી હતી.
