સુરતમાં કાયદાના રક્ષક ગણાતી પોલીસની બર્બરતાનો વધુ એક કાળો ચહેરો સામે આવ્યો છે. લિંબાયત વિસ્તારમાં ટી-સેન્ટર ચલાવતા વેપારી મનોજ સરોજે આપેલા નિવેદન મુજબ, સ્થાનિક લિંબાયત પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દરરોજ તેમની દુકાનેથી રૂ. 700 થી 800 નો સામાન મફતમાં લઈ જતા હતા. વેપારીએ મફતમાં સામાન આપવાની ના પાડીને પોતાના હકના પૈસા માગતાં જ પોલીસકર્મીઓ અદાવત રાખવા લાગ્યા હતા.
પોલીસકર્મીઓએ કરેલા થર્ડ ડિગ્રી અત્યાચાર
ગત 13 જુલાઈની રાત્રે 5 જેટલા પોલીસકર્મીઓ દુકાને પહોંચ્યા હતા અને મનોજ સરોજ સાથે ગાળાગાળી કરી અત્યાચાર ગુજાર્યો હતો. સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં પોલીસકર્મીઓ વેપારીને વાળથી પકડી, દંડાથી ફટકારીને રોડ પર બળજબરીથી ઢસડીને લઈ જતા સ્પષ્ટ નજરે પડે છે.પીડિતના આક્ષેપ અનુસાર, તેમને લિંબાયત પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ રૂમમાં લઈ જઈને ઊંધો સુવડાવી દેવાયો હતો અને દોઢ કલાક સુધી સતત 250 થી વધુ દંડા ફટકારીને ભયાનક થર્ડ ડિગ્રી ટોર્ચર આપવામાં આવ્યું હતું.
