ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં પાવર ગ્રીડ પ્રોજેક્ટથી અસરગ્રસ્ત થયેલા ખેડૂતોએ જમીનના યોગ્ય વળતર સહિતના વિવિધ પડતર પ્રશ્નો અંગે આમોદ મામલતદારને લેખિત રજૂઆત કરી છે. ખેડૂતોએ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા તા. 4 જુલાઈ 2026ના પરિપત્ર સામે સખત વિરોધ નોંધાવ્યો છે, અને આ પરિપત્ર ખેડૂતોના હિતમાં ન હોવાનો સ્પષ્ટ આક્ષેપ કર્યો છે.
765 કેવી લાઇન અને સુરક્ષા સામે પ્રશ્નાર્થ
ખેડૂતોના જણાવ્યા અનુસાર, વિસ્તારમાંથી પસાર થઈ રહેલી 765 કેવીની હાઈ વોલ્ટેજ વીજ લાઈનથી ખેડૂતો અને તેમના ખેતરોની સુરક્ષા સામે મોટું જોખમ ઊભું થયું છે. આમ છતાં, સરકારના નવા પરિપત્રમાં વીમા કવચ કે 25 વર્ષ બાદની સ્થિતિ અંગે કોઈ સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી નથી. આ ઉપરાંત પાવર ગ્રીડ પ્રોજેક્ટના કોમર્શિયલ હેતુ અંગે પણ પરિપત્રમાં યોગ્ય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

પીએમઓથી લઈને કલેક્ટર સુધી રજૂઆતોનો દોર
જમીન વળતર અને સુરક્ષાના મુદ્દે ખેડૂતો દ્વારા અગાઉ પીએમઓ દિલ્હી, સીએમઓ ગાંધીનગર, ઉર્જા મંત્રાલય તેમજ ભરૂચ જિલ્લા કલેક્ટરને અનેક રજૂઆતો કરવામાં આવી છે. આ જ સિલસિલામાં તા. 18 ઓગસ્ટના રોજ ભરૂચ જિલ્લાના ખેડૂતોએ વિશાળ ટ્રેક્ટર રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું.

MRC નહીં બનાવવાની ખેડૂતોની આખરી ચીમકી
અસરગ્રસ્ત ખેડૂતોએ એકસૂરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જ્યાં સુધી જમીનનું યોગ્ય વળતર અને ખેડૂતોના તમામ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેઓ MRC બનાવવા માટે બિલકુલ તૈયાર નથી. હાલમાં આમોદના ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બની રહ્યો છે, ત્યારે સરકાર હવે શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
આ પણ વાંચો - Gujarat Rainfall Deficit Explainer: ચોમાસાની વિચિત્ર ભાત, ક્યાંક ગાજ્યા અને વરસ્યા, તો ક્યાંક માત્ર વાદળાં ઘેરાયા