ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો માટે અત્યંત આનંદના સમાચાર સામે આવ્યા છે. કોડીનારની જીવાદોરી સમાન અને ખેડૂતોના આર્થિક આધારસ્તંભ સમાન બિલેશ્વર ખાંડ ઉદ્યોગ (સુગર મિલ) ફરી એકવાર ધમધમતી થવા જઈ રહી છે. આગામી 14 નવેમ્બરથી સુગર મિલમાં શેરડીનું પીલાણ સત્તાવાર રીતે શરૂ કરવામાં આવશે, જેના કારણે આ વિસ્તારના શેરડી પકવતા હજારો ખેડૂતોમાં ભારે ખુશીની લહેર છવાઈ ગઈ છે.

શેરડીના ભાવમાં પ્રતિ ટન રૂ. 300નો વધારો

IPL (ઇન્ડિયન પોટાશ લિમિટેડ) દ્વારા આ વર્ષે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે ઉત્તમ ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ચાલુ સિઝનમાં ખેડૂતોને શેરડીના પ્રતિ ટન 3300 રૂપિયા ભાવ આપવામાં આવશે. ખાસ વાત એ છે કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખેડૂતોને પ્રતિ ટન રૂ. 300 વધુ મળશે, જે ખેડૂતોની આવક વધારવામાં મોટો સહારો બનશે. આ ઉપરાંત, શેરડીની ખરીદીના માત્ર 14 દિવસની અંદર જ ખેડૂતોના બેંક ખાતામાં નાણાં જમા કરાવી દેવામાં આવશે.

3 લાખ મેટ્રિક ટન પીલાણનો લક્ષ્યાંક અને વિશેષ સુવિધાઓ

ગત વર્ષે માત્ર 45 દિવસ જ કાર્યરત રહેલી આ મિલ આ વર્ષે આશરે 100થી 120 દિવસ સુધી કાર્યરત રહેવાની પૂરી શક્યતા છે. આ મિલની દૈનિક ક્ષમતા 2700થી 2800 મેટ્રિક ટન શેરડી પીલાણ કરવાની છે, જ્યારે સમગ્ર સિઝન દરમિયાન 3 લાખ મેટ્રિક ટન શેરડીના પીલાણનો ભવ્ય લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ મિલ માટે 11 હજારથી વધુ ખેડૂતોએ અગાઉ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ જે ખેડૂતોએ રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તેમની શેરડી પણ IPL કંપની દ્વારા ખરીદવામાં આવશે.

Gir Somnath News: Bileshwar Sugar Mill in Kodinar to Resume Operations Nov 14

પિયતની સમસ્યા માટે ટપક સિંચાઈ અપનાવવા અપીલ

વર્તમાન સમયમાં ઓછા વરસાદના કારણે પિયતની સમસ્યા સર્જાઈ રહી છે, જેને ધ્યાનમાં રાખીને ખેડૂતોને ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવા વિશેષ અપીલ કરવામાં આવી છે. ખેડૂતો આધુનિક પદ્ધતિ અપનાવીને પાણીની બચત કરી શકે તે માટે IPL કંપની દ્વારા ટપક સિંચાઈ માટે વિશેષ સબસિડી પણ પૂરી પાડવામાં આવશે.


આ પણ વાંચો: Kodinar-ઉના હાઈવે પર બાઇક આખલા સાથે અથડાતા દેવળી ગામના યુવકનું મોત, મિત્ર કોમામાં!