પંચમહાલ જિલ્લામાં કુદરતી પ્રકોપના કારણે અન્નદાતાઓની હાલત કફોડી બની ગઈ છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ડાંગરના 65% થી વધુ વાવેતર વિસ્તારમાં 'ચુસીયા' નામના જંતુનું આક્રમણ જોવા મળ્યું છે. આ રોગના કારણે ખેડૂતોના સપના સમાન લીલોછમ ડાંગરનો પાક પીળો પડીને ઝડપથી સુકાવા લાગ્યો છે, જેના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે અને તેઓ ભારે આર્થિક સંકટમાં મુકાયા છે.

આ ગામોમાં રોગનો સૌથી મોટો ઉપદ્રવ

શહેરા તાલુકાના મોરવા, પોયડા, ભુરખલ અને ગોકળપુરા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં 'ચુસીયા' નો આક્રમક ઉપદ્રવ જોવા મળ્યો છે. અથાક મહેનત અને મોંઘા ખાતર-બિયારણ પાછળ ખર્ચ કર્યા બાદ હાથમાં આવેલો પાક નષ્ટ થતો જોઈને ખેડૂતો લાચાર બન્યા છે. સમયસર યોગ્ય ઉપાય નહીં થાય તો વ્યાપક નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના સેવાઈ રહી છે.

Panchmahal News: Farmers Suffer as 'Chusiya' Disease Destroys Paddy Crops in Shehera

ધારાસભ્ય સમક્ષ ખેડૂતોએ ઠાલવી પોતાની વ્યથા

રોગના કારણે પાયમાલ થઈ રહેલા ખેડૂતોએ પોતાની વેદના સ્થાનિક ધારાસભ્ય સમક્ષ રજૂ કરી હતી. ખેડૂતોની આ ગંભીર વ્યથા સાંભળીને ત્વરિત હરકતમાં આવેલા ધારાસભ્ય જેઠાભાઈ આહીરે ગોધરા ખાતેના જિલ્લા ખેતીવાડી અધિકારીને સત્તાવાર પત્ર લખીને તાત્કાલિક ધોરણે અસરકારક કાર્યવાહી કરવાની માગ કરી છે.

Panchmahal News: Farmers Suffer as 'Chusiya' Disease Destroys Paddy Crops in Shehera

ડ્રોન દ્વારા દવા છંટકાવ અને સબસીડી માટે રજૂઆત

પરંપરાગત પદ્ધતિઓથી દવા છાંટવી આ વ્યાપક વિસ્તારમાં મુશ્કેલ હોવાથી, ધારાસભ્ય દ્વારા ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઝડપી અને અસરકારક રીતે જંતુનાશક દવાનો છંટકાવ કરવા સૂચન કરાયું છે. જોકે, ડ્રોન છંટકાવનો ખર્ચ સામાન્ય અને મધ્યમ વર્ગના ખેડૂતો માટે પરવડે તેમ ન હોવાથી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે વિશેષ યોજનાકીય સબસીડી મંજૂર કરવામાં આવે તેવી ભારપૂર્વક રજૂઆત કરાઈ છે.



આ પણ વાંચો: Panchmahal: જાંબુઘોડામાં મેઘમહેર યથાવત રવિવારે પણ એક ઈંચ વરસાદ